Site icon Revoi.in

ગુજરાતના સરકારી કર્મચારીની ખાતાકીય પરીક્ષા માટે અસરકારક પોલીસી બનાવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણાબધા કર્મચારીઓ બઢતીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ખાતાકીય પરીક્ષા લેવામાં ન આવતા કર્મચારીઓને પ્રમોશનથી વંચિત રહેવું પડે છે. આ અંગે કર્મચારીઓ તેમના વિભાગના અધિકારીઓને પણ રજુઆતો કરી હતી. દરમિયાન આ બાબત મુખ્યમંત્રીના ધ્યાન પર મુકાતા સરકારી અધિકારી- કર્મચારીઓને પ્રમોશન માટે લેવામાં આવતી ખાતાકીય પરીક્ષાઓના નિયમિત અને અસરકારક આયોજન માટે અલાયદી પોલીસી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં સૂચના આપી હતી. લાંબા સમયથી પેન્ડીંગ હોય તેવી પરીક્ષાઓનું તાત્કાલિક આયોજન કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના જુદા જુદા સરકારી વિભાગો દ્વારા નિયમિત રીતે ખાતાકીય પરીક્ષાઓ લેવામાં આવતી નહીં હોવાથી કર્મચારીઓને સમયસર પેન્શન સહિતના લાભ મળતા નહીં હોવાની ફરિયાદો લાંબા સમયથી હતી. બીજીતરફ વિભાગોમાં ખાલી જગ્યાઓ પૈકી નિયત કરેલી જગ્યાઓ પ્રમોશનથી ભરવાની થતી હોય છે. પરંતુ સમયસર પ્રમોશન થતા નહીં હોવાથી આવી જગ્યાઓ પણ ખાલી રહે છે. હવે આ સ્થિતિ નિવારવા સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું  હતું કે, કર્મચારીઓના હિતને ધ્યાને લઇને બઢતી માટેની ખાતાકીય પરીક્ષા વહેલી તકે યોજાય તે દિશામાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે તે સંવર્ગ માટે છેલ્લે ખાતાકીય પરીક્ષા ક્યારે યોજાઇ, પરીક્ષા લેતી સંસ્થાઓની સજ્જતા, પરીક્ષા લેવાની વિવિધ બોર્ડની વાર્ષક ક્ષમતા વગેરે બાબતો અંગે રાજ્ય સરકાર દ્વારા ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જે સંવર્ગોની ખાતાકીય પરીક્ષાનું માળખુ જટીલ છે તેને સરળ કરી અભ્યાસક્રમોની પણ સમીક્ષા કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોના કર્મચારીઓ વિવિધ માગણીઓને લઈને આંદોલન છેડી વિરોધ કરી રહ્યા હતા. તે વખતે સરકારે અમુક માગણીઓ સ્વીકારી હતી. જો કે, ભવિષ્યમાં કર્મચારીઓના મનમાં સરકાર વિરોધી વલણ ન રહે તે હેતુથી ગુજરાત સરકારે આડકતરી રીતે તેમને ખુશ કરવા માટે આ રસ્તો અખત્યાર કર્યો છે.