નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક બસો ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નવી દિલ્હીમાં 20મી ભારત-અમેરિકા આર્થિક પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ દિશામાં આયોજન કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર આરામદાયક સુવિધાઓ સાથે બસો ચલાવવાની યોજના બનાવી રહી છે, જેથી સામાન્ય લોકોને હવાઈ મુસાફરીનો અનુભવ મળી શકે.
તેમણે ઉમેર્યું કે આ બસોનું ભાડું ડીઝલ બસ કરતા 30 ટકા ઓછું હશે. આ બસો જયપુર અને દિલ્હી વચ્ચેનું અંતર લગભગ 2 કલાક 50 મિનિટમાં કાપશે.તેમણે કહ્યું કે ભારત-યુએસ ઈકોનોમિક સમિટમાં બંને દેશોમાં સંયુક્ત સાહસો તરફ કામ કરવાની અપાર સંભાવનાઓ છે. ગડકરીએ આ પ્રસંગે સાતમો બિઝનેસ લીડરશીપ એવોર્ડ પણ એનાયત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં થયેલા વધારાને પગલે હવે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યાં છે, બીજી તરફ પર્યાવરણને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પણ ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે, તેમજ ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી આપવામાં આવી રહી છે.
બીજી તરફ પરિવહન સેવા ઝડપી બને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ દેશના વિવિધ રાજ્યોમાં વિશાળ માર્ગો બનાવવામાં આવી રહ્યાં છે. નવા માર્ગો બનવાની સાથે પરિવહનની સાથે વેપાર-રોજગારમાં પણ વધારો થયો છે.