નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક બસો ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નવી દિલ્હીમાં 20મી ભારત-અમેરિકા આર્થિક પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ દિશામાં આયોજન કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર આરામદાયક સુવિધાઓ સાથે બસો ચલાવવાની યોજના બનાવી રહી છે, જેથી સામાન્ય લોકોને હવાઈ મુસાફરીનો અનુભવ મળી શકે.
બીજી તરફ પરિવહન સેવા ઝડપી બને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ દેશના વિવિધ રાજ્યોમાં વિશાળ માર્ગો બનાવવામાં આવી રહ્યાં છે. નવા માર્ગો બનવાની સાથે પરિવહનની સાથે વેપાર-રોજગારમાં પણ વધારો થયો છે.