1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધી એલિવેટેડ કોરિડોર નિર્માણ પામશે
અમદાવાદના ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધી એલિવેટેડ કોરિડોર નિર્માણ પામશે

અમદાવાદના ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધી એલિવેટેડ કોરિડોર નિર્માણ પામશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારો થવા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે જ વાહનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતાં સરખેજ ગાંધીનગર નેશનલ હાઇવે પર વિવિધ અન્ડરપાસ અને ફ્લાય ઓવર બાદ હવે ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાય ઓવરના સરખેજ તરફના છેડા સુધીના પટ્ટામાં એક એલિવેટેડ કોરિડોરના નિર્માણ માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને  જાહેરાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના એસજી હાઈવે પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. તેથી ઈસ્કોનથી વૈશ્નોદેવી સર્કલ સુધી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં થલતેજ અન્ડરપાસ, ઇસ્કોન ફ્લાય ઓવર તેમજ સાયન્સ સિટી જંક્શનથી ઝાયડસ તેમજ એના પછી સોલા સિવિલ, હાઇકોર્ટથી ગોતા વચ્ચે એલિવેટેડ કોરિડોર અને ફ્લાય ઓવર તૈયાર કરાયા છે. જોકે, ઇસ્કોનથી સરખેજ તરફ સાણંદ ફ્લાય ઓવર સુધીના માર્ગમાં હજુ પણ ટ્રાફિક કન્જક્શન વધારે રહેતુ હોવાથી આ નવા કોરિડોર માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.

રાજ્યના માર્ગ અને મકાન સચિવ સંદીપ વસાવાએ જણાવ્યું હતું કે, અમદાવાદના ઇસ્કોન જંક્શનથી ચાર કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનશે. હાલ કેન્દ્ર સરકારે રૂ. 530.20 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. હવે પછી તેના ટેન્ડર વગેરે તૈયાર થશે. એના પછી પ્રોજેક્ટ પર કામ ચાલુ થશે. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, એના ડિઝાઇન, મૂળભૂત રીતે ક્યાંથી શરૂ થઇ અને ક્યાં પૂરો થશે તેની વિગતો હવે પછી જાણી શકાશે. દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ ટ્વિટ કરી ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મંજૂરીની જાહેરાત કરી હતી. આ માટે 530 કરોડ પણ મંજૂર કરાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈસ્કોન બ્રિજથી સાણંદ ચોકડી સુધીના 4 કિલોમીટરમાં કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ચારરસ્તા અને વાયએમસીએ નજીકના ચાર રસ્તા પાસે 3 ફ્લાયઓવર બનાવવામાં આવશે. ગોતાથી થલતેજ જે પ્રકારે એલિવેટેડ કોરિડોર બનાવાયો છે તે જ રીતે અહીં પણ કોરિડોર બનાવાશે. જેમાં કર્ણાવતી જંકશન પર 800 મીટર, પ્રહલાદનગરથી વાયએમસીએ ચારરસ્તા સુધી 1200 મીટરનો બ્રિજ બનાવવામાં આવશે. જેથી એકપણ ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ નડશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજથી ચિલોડા સુધી અગાઉ 800 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કર્ણાવતી, પ્રહલાદનગર અને વાયએમસીએ જંકશનને બાકાત રાખવામાં આવ્યા હતા. આ સ્થળોએ અગાઉ મ્યુનિ. કોર્પોરેશન બ્રિજ બનાવશે તેવું નક્કી કરાયું હોવાને કારણે બાકાત રખાયા હતા. ઈસ્કોન બ્રિજથી વાયએમસીએ આવતાં સરેરાશ હાલમાં 8 મિનિટ જેટલો સમય લાગે છે. બ્રિજ બન્યા પછી અંદાજે 4 મિનિટ લાગશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. એસજી હાઈવે પર હાલ ગાંધીનગર-અમદાવાદ મળીને 10 ઓવર બ્રિજ આવેલા છે. હાલ માત્ર 3 જંકશન બાકી હતા જ્યાં ટ્રાફિકની ભારે સમસ્યા હતી. હવે અહીં પણ ફ્લાયઓવરને મંજૂરી મળતાં સમસ્યાનો હલ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code