નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. રશિયન સૈન્ય દ્વારા યુક્રેનના વિવિધ શહેરોમાં બોમ્બ મારો કરવાની સાથે રોકેટથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનના દેશવાસીઓમાં ભય ફેલાયો છે. તેમજ પોતાનો જીવ બચાવવા માટે યુક્રેન છોડવા મજબુર બની રહ્યાં છે. અત્યાર સુધીમાં 25 લાખ લોકોએ યુક્રેન છોડ્યું હોવાનો યુએન દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર 24મી ફેબ્રુઆરીથી રશિયાએ આક્રમણ શરૂ કર્યું હતું. જે બાદ ઓછામાં ઓછા 25 લાખ યુક્રેનિયન દેશ છોડીને જતા રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થીના જણાવ્યા અનુસાર અનુમાનિત 40 લાખ લોકોએ યુક્રેન છોડ્યું છે. રશિયન સૈન્ય સતત બોમ્બ મારો અને મિસાઈલથી હુમલો કરી રહ્યું હોવાથી અનેક લોકો મેટ્રોના ટર્નલમાં આશરો લેવા મજબુર બન્યાં છે.
રશિયાના હુમલાને પગલે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત અમેરિકા સહિતના દેશ દ્વારા પણ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ રશિયા સામે વિવિધ દેશો દ્વારા આકરા પગલા લેવામાં આવ્યાં છે.