કૉમન ચાર્જરના અમલ માટે એક્સપર્ટ ગ્રુપની રચના કરાશે
નવી દિલ્હીઃ સરકાર મોબાઇલ અને તમામ પોર્ટેબલ ઇલેક્ટ્રૉનિક ઉપકરણો માટે કૉમન ચાર્જર અપનાવવા માટે નિષ્ણાત જૂથોની રચના કરશે અને બે મહિનામાં વિગતવાર અહેવાલ સબમિટ કરશે. તેમ ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું.
ઉદ્યોગના હિતધારકો સાથેની બેઠકમાંથી બહાર આવતાં, સચિવે જણાવ્યું હતું કે, ભારત શરૂઆતમાં સી-ટાઇપ પોર્ટ સહિત બે પ્રકારનાં ચાર્જર્સ તરફ સ્થળાંતર કરવાનું વિચારી શકે છે. ચાર્જર્સના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છે. આપણે અંતિમ નિર્ણય લેતાં પહેલાં દરેક વ્યક્તિના પરિપ્રેક્ષ્ય ઉદ્યોગ, વપરાશકર્તાઓ, ઉત્પાદકો અને પર્યાવરણ વગેરે બાબતોને સમજવી પડશે. દરેક હિતધારકનો અલગ દૃષ્ટિકોણ હોય છે અને તે મુદ્દાઓને અલગથી તપાસવા માટે નિષ્ણાત જૂથો બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો છે, હાલ એન્ડ્રોઈડ ફોનમાં સી-ટાઈપ સહિત બે પ્રકારના ચાર્જરનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે એપલ ફોનનું ચાર્જર સૌથી અલગ છે.
(PHOTO-FILE)