- ગુજરાત યુનિ.ને તપાસ સમિતિનો રિપોર્ટ સુપરત કરાયો,
- હવે એમિનેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડિનેટરનો ખૂલાશો પૂછાશે,
- યુનિવર્સિટી દ્વારા અગાઉ ખાનગી કોર્ષ ચલાવાતા હતા
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કથિત ઉચાપતના મુદ્દે ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના એનિમેશન વિભાગમાં ભૂતકાળમાં ખાનગી કોર્ષ ચાલતા હતા. તત્કાલિન સમયના એનિમેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડીનેટર કમલજીત લખતરિયાએ યુનિવર્સિટીના ખાતામાંથી ટુકડે ટુકડે પોતાના બેંક એકાઉન્ટ, પત્નીના બેંક એકાઉન્ટ અને સ્વજનોના બેંક એકાઉન્ટમાં 16 કરોડ કરતાં વધુ રકમ મેળવી લીધાનો આક્ષેપ થતા આ અંગે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ હવે લખતરિયાનો ખુલાસો માંગવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ભૂતકાળમાં એનિમેશન ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ખાનગી કોર્સ ચાલી રહ્યા હતા. આ ખાનગી કોર્સ નોલેજ પાર્ટનર દ્વારા ચલાવવામાં આવતા હતા. જેમાં ગુજરાત યુનિવર્સિટી અને નોલેજ પાર્ટનરનો 40:60 ટકાનો હિસ્સો હતો. તત્કાલિન સમયે એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડીનેટર તરીકે ફરજ કમલજીત લખતરિયા ફરજ બજાવતા હતા. નોલેજ પાર્ટનર તરીકે કામ કરતી ખાનગી કંપનીઓ સાથે લખતરિયા ડીલ કરતા હતા. વર્ષ 2023 સુધી કમલજીત લખતરિયા એનિમેશન ડિપાર્ટમેન્ટની જવાબદારી પર હતા. ત્યાર બાદ તેમને જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડીનેટર કમલજીત લખતરિયા સામે વર્ષ 2023માં કરોડો રૂપિયાની ઉચાપત કરવાની તથા ખાનગી કંપનીઓ સાથે મળીને કરોડો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ યુનિને મળી હતી. આ ફરિયાદ મળતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કરીને તપાસ કરવામાં આવી હતી. નિવૃત્ત જજની કમિટી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ કમિટી દ્વારા આ રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત યુનિવર્સિટીને સોંપ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની બેઠકમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. બેઠક બાદ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટ મળી ગયો છે.. રિપોર્ટ મુજબ 16 કરોડ કરતાં વધુ રકમની ઉચાપત કરવામાં આવી છે. કમલજીત લખતરિયાએ પોતાના, પત્નીના અને સ્વજનોના ખાતામાં ટુકડે ટુકડે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત નોલેજ પાર્ટનર કંપનીઓને પણ વધારે પૈસા આપ્યા છે. આ અંગે લખતરિયાનો ખુલાસો માંગવામાં આવશે. ખુલાસો આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.