ગુજરાતમાં વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને કરાયો મહત્વનો નિર્ણય
અમદાવાદઃ રાજ્યમાં ધો-9થી 12ના લગભગ 29 લાખ જેટલા વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તેને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાને બદલે 30 ટકા પુછવામાં આવશે. તેમજ જનરલ પ્રશ્નોમાં વધારે ઓપ્શન આપવામાં આવશે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્નો 80 ટકાથી ઘટાડી 70 ટકા પૂછવામાં આવશે. વિદ્યાર્થીઓને JEE અને NEET ની પરીક્ષામાં તકલીફ પડી રહી હતી. જેને અનુસંધાને આ નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિને લઇને આ નિર્ણય આ વર્ષ માટે અમલી બનશે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જમાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતને લઇને વાલીઓ પણ ચિંતિત હોય છે. એટલે વાલીઓને પણ તણાવમાંથી મુક્તિ મળે અને સમય સંજોગો પ્રમાણે આગળ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્કામ પરીક્ષામાં પણ મુશ્કેલી ન પડે અને ગુજરાતનો વિદ્યાર્થી બરાબર તૈયાર થાય તેની પણ ચિંતા કરીને માધ્યમિક શિક્ષણ બોર્ડે, અમારા શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરીને આ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ એ પ્રકારે તૈયારી કરીને તૈયાર થાય અને વધારાના ઓપ્શનો આપ્યા છે ત્યારે વિદ્યાર્થી તેમનું ભવિષ્ય પણ સારી રીતે બનાવી શકશે તેનો મને વિશ્વાસ છે. આ એક વર્ષ માટે છે. કોરોનાની મહામારી વચ્ચે ગયા વર્ષે બે મહિનાથી થોડાં સમય જ ભણી શક્યા હતા. કેટલાક તો ઓનલાઈન ભણી પણ શક્યા નહોતા. હવે ભણતર જૂનથી શરૂ થયું છે. છતાં પણ વિદ્યાર્થીઓ નાના-મોટા તણાવમાં રહેતા હોય છે. એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.