Site icon Revoi.in

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટને લઈને PM મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટની અસર ભારત પર પણ પડી શકે છે. વાસ્તવમાં પશ્ચિમ એશિયાના સંકટને કારણે વૈશ્વિક સ્તરે તેલની કિંમતો વધવાનો ભય ઉભો થયો છે. જો આમ થશે તો તેની સીધી અસર ભારતીય તિજોરી પર પડશે. જેથી આ સ્થિતિ પર ચર્ચા કરવા માટે શુક્રવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતો પર કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશ્ચિમ એશિયાના સંકટ અને ભારત પર તેની સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તાજેતરમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાનો વડા હસન નસરાલ્લાહ ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયો હતો. તેના જવાબમાં ઈરાને ગયા મંગળવારે ઈઝરાયેલ પર મિસાઈલ અને રોકેટ વડે હુમલો કર્યો હતો. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે, ઈઝરાયેલ ઈરાનના ઓઈલ બેઝ પર હુમલો કરી શકે છે. આ પછી વિશ્વભરમાં તેલની કિંમતોમાં વધારો થવાની ભીતિ છે. જો આમ થશે તો ભારત પર તેની વિપરીત અસર પડશે.

ભારત તેની તેલની જરૂરિયાતના 85 ટકાથી વધુ આયાત કરે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. આ જ કારણ છે કે જો તેલની કિંમતોમાં વધારો થશે તો તેની ભારતની તિજોરી પર વિપરીત અસર પડશે અને સરકારનું બજેટ ખોરવાઈ જવાની આશંકા છે. પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં લેતાં હાલની કટોકટી લંબાય તેવી દહેશત છે. આથી આવી સ્થિતિમાં ભારત સરકાર માટે ચિંતા થવી સ્વાભાવિક છે.