Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનો બારોબાર ભાડે આપવાના મુદ્દે તપાસ કરાશેઃ કૂલપતિ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે યુનિવર્સિટીના મેદાનોનો ખાનગી સંખ્યાઓ દ્વારા બેરોકટોક ઉપયોગ કરાતો હોવાનો તેમજ બારોબાર યુનિના રમત-ગમતના મેદાનો ભાડે આપવાના મુદ્દે ભારે વિવાદ થયા બાદ કૂલપતિએ આ મામલે તપાસ સમિતિ બનાવી છે. અને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ સમિતિનો મંગળવારે અહેવાલ મળી ગયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મેદાનો બારોબાર ખાનગી વ્યક્તિ કે સંસ્થાને ભાડે આપી દેવા અંગે વિવાદ થયો છે. આ અંગે તાજેતરમાં જ કુલપતિને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કમલસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ આ બાબતે મને રજૂઆત મળી છે અને મેં તપાસ સોંપી છે. આગામી મંગળવાર સુધીમાં તપાસનો અહેવાલ આવી ગયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગેની વિગત એવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક મેદાનો અને જગ્યા નિયમ વિરુદ્ધ ખાનગી સંસ્થા કે વ્યક્તિને બારોબાર ભાડે આપી દેવાતા રોહિતસિંહ રાજપૂતે કુલપતિને લેખિત રજૂઆત કરીને આ પ્રકરણમાં જવાબદાર શારીરિક શિક્ષણ નિયામક સહિતના સામે પગલાં લેવા માગણી કરી હતી. હાલ કેટલીક ખાનગી એકેડેમીઓ જેવી કે બેડમિન્ટન, આર્ચરી ગેમની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગ્રાઉન્ડ કરાવતી સંસ્થાઓ આ મેદાનો-સંકુલોનો મફતમાં ભરપૂર માત્રામાં છેલ્લા ઘણા સમયથી ઉપયોગ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ખાનગી એકેડેમીઓ વિદ્યાર્થીઓ પાસેથી તો ઊંચી ફી વસૂલે જ છે પરંતુ યુનિવર્સિટીમાં નિયમિત રીતે ફી નહીં આપતા હોવાનું પણ જાણવા મળ્યું છે. એકબાજુ યુનિવર્સિટીના ભવન અને કોલેજોના વિદ્યાર્થીઓને આ મેદાનોનો ઉપયોગ કરવા કરતા ખાનગી સંસ્થાઓ અને બહારના લોકો વધુ ઉપયોગ કરી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે.