Site icon Revoi.in

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ  ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિક સતત વધતો જાય છે. જેમાં ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ-1 પર તો ફ્લાઈટ્સના લેન્ડિગ વધુ હોવાને લીધે પ્રવાસીઓના એકસાથેના ધસારાને પહોંચી વળવા માટે કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટસને ઈન્ટરનેશન એરપોર્ટ ટર્મિનલ-2 પર ઓપરેટ કરવામાં આવી રહી છે. તેથી પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર  ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવવાના નિર્ણય બાદ 9 એપ્રિલ 2024થી સ્પાઇસ જેટની ઇન્ટરનેશનલ ફ્લાઇટ સહિત ડોમેસ્ટિક ફ્લાઈટ પણ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 પરથી ઓપરેટ થઈ રહી છે. એને કારણે મુસાફરોને પણ ફ્લાઈટ લેવામાં સરળતા રહેશે. એટલે કે સ્પાઇસ જેટ દ્વારા મુસાફરી કરતા તમામ મુસાફરો હવેથી અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 1 પરથી મુસાફરી નહીં કરે પરંતુ તેઓને સ્પાઇસ જેટ દ્વારા મુસાફરી કરવા માટે એરપોર્ટના ટર્મિનલ 2 પર જ જવાનું રહેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ દેશમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે સ્થાન ધરાવે છે, એમાં પણ ગુજરાતનું એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે, જે ફક્ત ભારતના મહત્તમ શહેરો નહીં પરંતુ અન્ય દેશો સાથે પણ સીધી કનેક્ટિવિટી ધરાવે છે. અમદાવાદ એરપોર્ટ દેશના પશ્ચિમ ભાગનું વ્યસ્ત રહેતું એરપોર્ટ છે, જ્યાં દરરોજની 240 જેટલી ફ્લાઇટની અવરજવર રહે છે. એરપોર્ટના રનવે પર લેન્ડિંગ અને ટેક ઓફ કરતી ફ્લાઇટમાં 200 જેટલી ફ્લાઇટ આંતરરાજ્ય હોય છે. જ્યારે 40 જેટલી ફ્લાઈટ ભારતીય એરલાઇન્સ ઉપરાંત અન્ય દેશની એરલાઇન્સની ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય છે. જ્યારે ડોમેસ્ટિક ટર્મિનલ એટલે કે, ટર્મિનલ 1 પર દર રોજની 200 જેટલી ફ્લાઇટની અવરજવર રહેતી હોવાથી સતત 24 કલાક સુધી ધમધમતું રહે છે, જ્યારે ઇન્ટરનેશનલ ટર્મિનલ એટલે કે ટર્મિનલ 2 પર 24 કલાકમાં ફક્ત 40 જેટલી ફ્લાઇટની અવર જવર કરતી હોવાથી તે ટર્મિનલની કાર્ય ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થતો ન હતો. કારણ કે સામાન્ય રીતે ઇન્ટરનેશનલ ફ્લાઈટ રાતના સમયે જ વધુ પ્રમાણમાં ઓપરેટ થતી હોય છે. દિવસ દરમિયાન ફક્ત બેથી ત્રણ ફ્લાઇટની અવરજવર રહેતા તેની સંપૂર્ણ કાર્યક્ષમતાનો ઉપયોગ થઈ શકતો ન હતો. તેથી હવે સ્પાઇસ જેટની તમામ ફ્લાઈટ જેમાં છ જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટ છે તથા અન્ય ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે અગાઉ પણ ટર્મિનલ 2 પરથી જ ઓપરેટ થતી હતી તે તમામ ફ્લાઈટ હવેથી અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક નહીં પરંતુ ઇન્ટરનેશનલ ટર્મિનલ પરથી ઓપરેટ થશે. તેના કારણે ફક્ત સ્પાઈસ જેટના મુસાફરો જ નહીં પરંતુ અન્ય એરલાઇન્સ દ્વારા મુસાફરી કરતા મુસાફરોને પણ ફાયદો થશે. સામાન્ય રીતે ઇન્ટિગ્રેટ કરવું એટલે કે, કંઈક ફેરફાર કરવો. તેથી અમદાવાદના ઈન્ટરનેશનલ ટર્મિનલ એટલી કે ટર્મિનલ 2ને ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવવા માટે મોડિફાઈ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ડોમેસ્ટિક ફ્લાઇટના મુસાફરોને અગવડ ન પડે અને સરળતાથી તેઓ મુસાફરી કરી શકે તેમાટે ટર્મિનલ 2 પર એક્સ રે મશીન, સિક્યોરિટી હોલ્ડ એરિયા, ચેક ઇન કાઉન્ટરમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેગેજ બેલ્ટ કે જે અગાઉ ચાર હતા તેમાં ઉમેરો કરીને હવે પાંચ બેગેજ બેલ્ટ કરવામાં આવ્યા છે. (file photo)