આંધ્રપ્રદેશઃ તેલંગાણાના વારંગલમાંથી પોલીસે દેશના વિવિધ રાજ્યોમાં ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય ટોળકીને ઝડપી લીધી હતી. આ ટોળકી પારેથી અઢી કરોડની કિંમતના ચોરેલા સોના-ચાંદી અને હિરાના દાગીના મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. ટોળકી પાસેથી વિદેશી બનાવટીની પિસ્તોલ અને નશીલા દ્રવ્યો પણ મળ્યા હોવાનું જાણવા મળે છે.
વારંગના પોલીસ કમિશનર એવી રંગનાથનએ જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યોમાં ચોરી કરતી ટોળકીના ચાર સભ્યોને ઝડપી લેવામાં આવ્યાં છે. તેમની પાસેથી આશરે રૂ. 2.5 કરોડની કિંમતના સોના-ચાંદી અને હીરાના દાગીના મળી આવ્યા હતા. તેમણે કહ્યું, “અમે ચાર આંતરરાજ્ય ચોરોને પકડ્યા છે, જેઓ મુખ્યત્વે ઘરોમાં ઘૂસીને ચોરી કરે છે. આ લોકો રીઢો ગુનેગાર છે. 32 અલગ-અલગ કેસોમાં સંડોવાયેલા હોવાના કારણે તેમની ધરપકડ કરી હતી અને અઢી કરોડોની કિંમતના ઘરેણાં જપ્ત કર્યાં છે. કમિશનરે જણાવ્યું હતું કે આ ચોરો પાસેથી ફ્રેન્ચ બનાવટની પિસ્તોલ અને નશીલા પદાર્થોનો કેટલોક જથ્થો પણ મળી આવ્યો છે. આ ચોરો પાસે વારંગલ, અદિલાબાદ, બેંગ્લોર અને આંધ્રપ્રદેશના અન્ય સ્થળોએ ચોરી અને લૂંટના ગુના નોંધાયેલા છે.
તેલંગાણા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈને તેમના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત ટોળકીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપીઓ પાસેથી કરોડની કિંમતનો ચોરીનો મુદ્દામાલ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.