Site icon Revoi.in

કચ્છમાં નેશનલ હાઈવે પર તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી

Social Share

ભૂજઃ કચ્છના  સામખિયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર રાપર તાલુકાના ચિત્રોડી પાસે એરન્ડિયા તેલ ભરેલું ટેન્કરે પલટી ખાતાં તેલ ઢોળાતા ગ્રામજનો કેરબા અને વાસણો લઈને તેલ ભરવા માટે દોડી ગયા હતા. અને તેલની લૂંટ ચલાવી હતી. તેના લીધે હાઈવે પરનો ટ્રાફિક જામ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને જામ થયેલા ટ્રાફિકને ક્લીયર કર્યો હતો.

ખાદ્ય પદાર્થ, તેલ કે પછી દારૂ ભરેલા વાહનો, જ્યારે પણ ધોરીમાર્ગ ઉપર પલટી જતા હોય છે, ત્યારે પોલીસ પહેલા સ્થનિક લોકો પહોંચી જતા હોય છે અને મફતનો માલ મીઠો સમજી રીતસરની પડાપડી કરી મુકતા હોય છે. આજ પ્રકારની ઘટના ગઈકાલે બપોરે સામખીયાળી રાધનપુર નેશનલ હાઇવે 27 ઉપર બની હતી. રાપર તાલુકાના ચિત્રોડ પાસે આવેલા વરુણી માતાજીના મંદિર પાસે એક તેલ ભરેલું ટેન્કર પલટી જતા તેલ લેવા લોકો ઉમટી પડ્યા હતા. ગાંધીધામથી એરન્ડિયા તેલ ભરીને આડેસર તરફ જતું ટેન્કર અચાનક વરુણી માતાજી મંદિર પાસેની ગોળાઈ નજીક અકસ્માતે પલટી મારી ગયું હતું. ઘટનામાં ટેન્કરમાંથી 100થી 200 મીટર સુધી માર્ગની બાજુમાં તેલ ઢોળઇ ગયું હતું. રસ્તાની બાજુમાં તેલના ખાબોચિયા ભરાયા હોવાની જાણ આસપાસ ગામના લોકોને થતા ઘટનાસ્થળે લોકોનો જાણે મેળાવડો જામ્યો હતો અને તેલની લૂંટ મચાવી હતી.

આ અંગે ગાગોદર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તેલ ભરેલું ટેન્કર પલટી જતાં ગ્રામજનો કેરબા અને વાસણો લઈને તેલ લેવા ઉમટી પડ્યા હતા. આથી  હાઈવે પર ટ્રાફિક જામ થતાં પોલીસ પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. હાલ અકસ્માત અંગેની ફરિયાદ માટે કોઈ આગળ આવ્યું નથી.

ચિત્રોડ ગામના લોકોના કહેવા મુજબ  ટેન્કર અકસ્માતની ઘટના બપોરે 4 વાગ્યાની આસપાસ બની હતી, ટેન્કરમાંથી એરન્ડિયુ તેલ લેવા લોકો વાસણો લઈને દોડી ગયા હતા, અને માર્ગની બાજુમાં ઢોળાઈને પડેલું તેલ એકત્ર કરવા પડાપડી કરી મૂકી હતી. તેલ ભરીને લાવતા અમુક વ્યક્તિઓને આ તેલના ઉપયોગ વિશે પણ કોઈ ગતાગમ ના હોવાનું માલુમ પડ્યું ગતું. તો અન્ય એક વ્યક્તિએ આ તેલ સોયાબીન હોવાનું અને તેને ગરમ કર્યાં બાદ શુદ્ધ કરીને ખાવા માટે ઉપયોગમાં લેવાશે તેમ કહેતા હતા.