Site icon Revoi.in

પાલનપુરના હેબતપુર ગામે આખલાએ ભેટુ મારીને પછાડતા વૃદ્ધાનું મોત

Social Share

પાલનપુરઃ  તાલુકાના હેબતપુર ગામમાં સાંજના સમયે એક આખલાએ 95 વર્ષની વૃદ્ધાને ઊંચેથી પછાડતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ  હતું. તોફાને ચઢેલા આખલાએ અગાઉ પણ બે જણાને ભેટુ મારવાનો પ્રયાસ કરતા ગામના બધા જ લોકો આખલાથી ચેતીને રહેતા હતા. ઘટના બન્યા બાદ સવારથી 40 યુવાનોની ટીમ આખલાનો પકડવા કામે લાગી હતી અને 3 કલાકની જહેમતે આખલો પકડાઈ ગયા બાદ સાંજે 5 વાગે ટ્રેક્ટરમાં પાંજરાપોળ લઈ જવાયો હતો. ગ્રામજનોના કહેવા મુજબ આખલાનો ત્રાસ છેલ્લા એક મહિનાથી હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં 95 વર્ષના હીરામાં ભાગળીયા સાંજે પોતાના ઘરેથી ધીરે ધીરે ચાલતા રોડ પાસેની દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે આખલાએ અચાનક દોડીને આવી ઊંચે ઉછાળ્યા હતા. અચાનક આ રીતે આખલાએ હુમલો કરી દેતા ગામલોકો દોડી આવ્યા હતા. આખલાએ ભેટ મારતા  વૃદ્ધા ઘટના સ્થળે બેહોશ થઈ ગયા હતા બાદમાં તેમને મૃત જાહેર કરાયા હતા.ગામમાં આખલાના આતંકની ઘટના ગ્રામજનો છેલ્લા એક મહિનાથી વ્યથિત હતા તેવામાં વૃદ્ધ મહિલાને ઉછાળીને મોત નિપજાવતા ગ્રામજનોમાં આઘાત લાગી ગયો હતો આ ઘટનાના બીજા દિવસે સવારે ગામ લોકો એકઠા થયા હતા 40 યુવાનોની ટીમ આખલાને પકડવા માટે કામે લાગી હતી. ગામના યુવાનોએ સવારથી જ જુદી જુદી ટીમો બનાવીને આતંક મચાવનારા આખલાને પકડવા કામે લાગી હતી અને ત્રણ કલાકના અંતે આખલાને પકડીને ગ્રામ પંચાયત કચેરી નજીક લીમડાના ઝાડે બાંધી દીધા બાદ પાંજરાપોળ મોકલી દેવાયો હતો.

સ્થાનિક પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે આતંક મચાવનારા આખલાને પકડવા માટે ભારે મથામણ કરવી પડી હતી. બાદ તેને ટ્રેક્ટર ચલાવવા માટે પણ યુવાનોની મદદ લેવાઈ હતી અને આખરે પાંજરાપોળમાં મોકલી દેવાયો હતો. હેબતપુર ગામમાં આખલાનો આતંક મહિનાથી હતો. વૃદ્ધ મહિલાની  પાછળ આખલો પડતાં કેટલાકે બૂમ પાડી હતી પરંતુ તેઓ કાને ઓછું સાંભળતા હતા એટલે બૂમ સાંભળી શક્યા નહી અને આખરે તેમને ઊંચેથી નીચે પટકયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. હેબતપુર ગ્રામ પંચાયતના સત્તાધીશોએ આટલો આતંક મચાવ્યો હોવાનું જાણતા હોવા છતાં તેને અગાઉ જ પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરી ન હતી જેને લઇ ગામલોકોમાં રોષ ફેલાયો હતો. છેવટે ગામલોકોએ એક જીવ ગુમાવ્યા બાદ આખલાને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. આખલાનો ત્રાસ એક મહિનાથી હતો અને તે અવારનવાર લોકોની પાછળ પડતો હતો અગાઉ બે વખત તેને બાંધીને રાખવામાં આવ્યો હતો પરંતુ છૂટી ગયા બાદ ફરી તે હુમલા કરતો હતો.