દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ‘ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત’ની ઝાંખી રજુ થશે
અમદાવાદ: દિલ્હીમાં 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં દર વર્ષે ગુજરાતની ઝાંખી દર્શાવવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થશે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઇ રહ્યા છે, તો બીજી તરફ આ ઊર્જાસ્ત્રોને લીધે પ્રદૂષણ વધતા સમગ્ર પૃથ્વી ઉપરનું તાપમાન વધી રહ્યું છે, જેના લીધે દુનિયાના સંખ્યાબંધ દેશો ”ક્લાઈમેટ ચૅન્જ”ના કારણે પૂર, ભૂ સ્ખલન, સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યા છે, આ વિપરીત પરિસ્થિતિનો મુકાબલો કરવા, પૃથ્વીના વાતાવરણને શુદ્ધ અને હરિયાળું રાખવાના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પુનઃ પ્રાપ્ય અને બિનપરંપરાગત ઊર્જાના સંસાધનોનો ઉપયોગ કરવાનું ગુજરાતે બીડું ઝડપ્યું છે. આજે દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની ઝાંખી પ્રસ્તુત કરાશે. જેમાં પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતિકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે. જયારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે, તે મોઢેરા દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.
કચ્છના સફેદ રણ, પારંપરિક રહેઠાણ ભૂંગા, કચ્છી પરિવેશમાં સજ્જ રણના વાહન ઊંટને દોરી જતી ગ્રામીણ કચ્છી મહિલા સહિતના ઘણા આકર્ષણો વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથે આ ઝાંખીમાં રજૂ કરવામાં આવ્યા છે.