- કાલે ગાંધી જયંતીના દિવસે PM મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે, સુ
- રેન્દ્રનગર શહેરના નવા વિકસિત વિસ્તારોને ગટરનો લાભ મળશે.
- એક વર્ષમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરશે
સુરેન્દ્રનગરઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં શહેરના નવા વિક્સિત થયેલા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ન હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી ગુજરાત સરકાર દ્વારા ભૂગર્ભ ગટર બનાવવા માટે રૂ.58 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. તેથી હવે કોન્ટ્રાક્ટ આપીને ભૂગર્ભ ગટર યોજનાના કામનો પ્રારંભ કરાશે. અને એક વર્ષમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ કરવાની ગણતરી છે. કાલે ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે ત્યાર બાદ કામ ચાલુ કરવામાં આવશે.
સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ લીંબડી રોડ, મૂળચંદ રોડ, ડેમ રોડ, રતનપર બાયપાસ, માનવ મંદિર જેવા અનેક વિસ્તારોમાં ઘણા વર્ષોથી નવી સોસાયટીઓ બનાવવામાં આવી છે. જેમાં વર્તમાન સમયે લોકો રહેણાક કરીને રહેવા માટે પણ આવી ગયા છે. પરંતુ આ વિસ્તારમાં ઘર વપરાશના પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આથી આ વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ગટર વ્યવસ્થાના અભાવે રહીશોને રસ્તા ઉપર પાણીનો નિકાલ કરવાની ફરજ પડતી હતી. આથી ગુજરાત સરકાર દ્વારા આવા નવા વિકસેલા વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવા માટે રૂ.58 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય જગદીશ મકવાણાએ જણાવ્યું કે ગાંધી જયંતીના દિવસે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યાર બાદ એક વર્ષમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરીને લોકોના જોડાણો આપવાની કામગીરી કરાશે. તેમાં પણ ખાસ કરીને ચોમાસાના સમયમાં લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જ્યારે વરસાદ પડે છે. સુરેન્દ્રનગરમાં ખાસ કરીને છેવાડાના અનેક વિસ્તારો પાણી ભરાઈ જાય છે જેને કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે અથવા પાણીમાંથી પસાર થઈને બહાર નીકળવું પડે છે સતત પાણી ભરાઈ રહેવાને કારણે રોગચાળો પણ ફેલાય છે.
સૂત્રોના કહેવા મુજબ શહેરના વિક્સિત વિસ્તારોના લોકોએ નગરપાલિકામાં આવીને રજૂઆતો કરી હતી પરંતુ ગટરના પાણી નિકાલના માર્ગની કોઈ વ્યવસ્થા જ ન હોવાને કારણે નગરપાલિકા સત્તાધિશોએ હાથ ઊંચા કરી દીધા હતા. હવે ભૂગર્ભ ગટરનું કામ મંજૂર થતા લોકોની સમસ્યા હળવી બનશે. આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને આયોજનની સાથે પાણીના નિકાલ માટે યોગ્ય ઢાળ પ્રમાણે ડિઝાઇન બનાવી પાઇપલાઇન નાખવામાં આવે તેવી લોકોની માંગ છે.