અમદાવાદ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગ્રીન કવર વધારવા માટે વધુ એક અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. શહેરના સિંધુ ભવન રોડ પર તૈયાર થનારું આ અર્બન ફોરેસ્ટ શહેરનું 43મું અર્બન ફોરેસ્ટ હશે. સિંધુ ભવન રોડ પરના અર્બન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કેંદ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હસ્તે કરાશે. શહેરમાં સિંધુ ભવન રોડ એ પોશ વિસ્તાર ગણાય છે. અને આ વિસ્તારના વિકાસ માટે અત્યાધૂનિક અર્બન ફોરેસ્ટ ઊભું કરાશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરનું 43મું અર્બન ફોરેસ્ટ સિંધુ ભવન રોડ પર નિર્માણ પામશે., સાયન્સ સિટીમાં એક વન છે તેની જ લાઈનમાં આ નવું અર્બન ફોરેસ્ટ વિકસાવાશે. 7,625 સ્ક્વેર મીટર વિસ્તારમાં 20,000 વૃક્ષો વાવવામાં આવશે. આ પ્લોટમાં મેડિટેશન એરિયા, ઓપન જિમ, બાળકો માટેનો પ્લે એરિયા, યોગ કેંદ્ર અને વૉક વે હશે. ઉત્તર પશ્ચિમ ઝોનના અધિકારીઓએ કહ્યું કે, આ પ્લોટનો વપરાશ નહોતો થતો અને ખાલી પડ્યો હતો. જેના કારણે અહીં ઓછામાં ઓછા 3-4 પરિવારો દબાણ કરીને રહેવા લાગ્યા હતા.
હવે આ પ્લોટ પર મિયાવાકી પદ્ધતિ દ્વારા ગાઢ જંગલ વિકસિત કરાશે. મિયાવાકી પદ્ધતિમાં સ્થાનિક છોડ એટલે કે સ્થાનિક આબોહવાને અનુકૂળ આવે તેવા છોડ એકબીજાની નજીક વાવવામાં આવે છે. જેથી છોડના ઉપરના છત્ર જેવા ભાગ પર સૂર્યના કિરણો પડે અને છોડ સાઈડમાંથી ઉગવાને બદલે ઊભો વિકસે. પરિણામે સામાન્ય કરતાં 30 ગણી વધારે ગીચતા વૃક્ષોમાં જોવા મળે છે અને 10 ગણું ઝડપથી પણ ઉગે છે.
ઉપરાંત ત્રણ વર્ષ બાદ આ વૃક્ષોની કાળજી રાખવાની પણ જરૂર નથી પડતી. તાજેતરમાં હાથ ધરાયેલા આવા અન્ય પ્રોજેક્ટમાં પણ મ્યુનિએ મિયાવાકી ટેક્નિક અપનાવી હતી અને ખૂબ સારું પરિણામ મળ્યું હતું. શહેરમાં 80 ગાર્ડન અને બગીચા છે, તેમાંથી પરિમલ ગાર્ડન સિવાય બધા જ જનતા માટે ફરી શરૂ કરાયા છે.
કાંકરિયા લેકફ્રંટ પણ મોર્નિંગ વૉક માટે આવતાં લોકો માટે ખુલ્લું મૂકાયું છે. 79 ગાર્ડન અને કાંકરિયા લેકફ્રંટ મળીને કુલ 40,000 લોકો રોજ સવારે ચાલવા માટે આવતા હોવાનો અંદાજો છે. મ્યુનિએ બગીચાઓમાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યા છે અને મ્યુનિની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તેમજ પોલીસ વિભાગને અહીં સરપ્રાઈઝ વિઝિટ લેવાનું કહ્યું છે. જેથી ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને માસ્ક પહેરે. રવિવારે ઘણાં જાહેર બગીચાઓ અને સાબરમતી રિવરફ્રંટ પર લોકોની ભીડ જોવા મળી હતી.