Site icon Revoi.in

આણંદ: વિદેશમાં ભણવા મોકલવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર ગઠીયો ઝડપાયો

Social Share

આણંદ: આજ કાલ વિદ્યાર્થીઓમાં વિદેશ ભણવા જવાનો ટ્રેન્ડ વધ્યો છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હોય છે ત્યારે આણંદના વલ્લભવિદ્યાનગરમાં એક એવો વ્યક્તિ ઝડપાયો છે જે યુવાનોને વિદેશમાં ભણવા મોકલવાના સપના બતાવતો અને તેમની સાથે છેતરપિંડી કરતો હતો.

આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં યોર ડ્રીમ્સ કન્સલટન્સીની ઓફિસ ખોલી વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્ટુ઼ડન્ટ વિઝા અને વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનાં બહાને છથી વધુ યુવાનો સાથે 34.22 લાખની છેતરપીંડી કરાઈ હતી. જેના બાદ ઓફિસને તાળુ મારી ફરાર થઈ ગયેલા ઠગને વલ્લભવિદ્યાનગર પોલીસે મુંબઈથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સુરતની મહિલાએ પોતાનાં પુત્રને લંડનમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા મેળવવા અમિત પટેલનો સંપર્ક સાધ્યો હતો. જેથી અમિત પટેલે મહિલા પાસેથી 9.96 લાખની રકમ લીધા હતી. તેના બાદ યુકેની યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનાં બોગસ એડમિશન પત્રો, યુનિવર્સીટીમાં ભરેલી ફીની બોગસ પાવતીઓ આપી હતી.

ત્યારબાદ મહિલાનાં પુત્રને સ્ટુડન્ટ વિઝા નહી અપાવતા મહિલાએ અમિત પટેલ પાસે રૂપિયા પરત આપવાની માંગ કરી હતી. જેના બાદ અમિત પટેલ પોતાની ઓફિસને તાળુ મારી પલાયન થઈ ગયો હતો. જેથી મહિલાએ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ચાર માસથી અમિત પટેલ નાસતો ફરતો હતો. આ દરમિયાન પોલીસને અમિત પટેલ મુંબઈમાં સંતાયો હોવાનું લોકેશન મળ્યું હતું.