અમદાવાદઃ આણંદનાં કલેકટરને હનીટ્રેપમાં ફસાવીને ફાઈલો કલીયર કરાવવાનાં ચકચારભર્યા કેસમાં પોલીસ દ્વારા તત્કાલિન એડિશનલ કલેકટર કેતકી વ્યાસ, અને નાયબ મામલતદાર જેડી પટેલ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હોવાના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કેતકી વ્યાસ તેમજ નાયબ મામલતદાર જે ડી પટેલને સસ્પેન્ડ કરાયા છે. આણંદ કલેકટરના વિડીઓ પ્રકરણમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા. આરોપી કેતકી વ્યાસ સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. LCB પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
આણંદની કલેકટર કચેરીમાં ગેસ કેડરના અધિક નિવાસી કલેક્ટર તરીકે RAS કેતકી વ્યાસ કાર્યરત હતા.ત્યારે જિલ્લા કલેકટર ગઢવીને ફસાવવા માટે સ્પાય કેમેરા ગોઠવીને છોકરીઓ મોકલીને કલેકટરને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. આ ઘટનાના માસ્ટર માઈન્ડ કેતકી વ્યાસ સહિત ત્રણ સામે ખંડણી, કાવતરું અને આઈટી એક્ટ હેઠળના ગુના નોંધાયા છે. કેતકી વ્યાસ જિલ્લા કલેક્ટરની ચાલચલગતની વાકેફ હોવાથી તેનો ફાયદો ઉઠાવવા સ્પાય કેમેરા ગોઠવ્યા હતા. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ સહિત ત્રણે જમીનની ફાઈલ પાસ કરાવવા કલેક્ટરને બ્લેકમેલ કર્યા હતા, અને સ્પાય કેમેરા લગાવ્યા હતા, તેમજ મહિલાને પણ કલેક્ટર પાસે મોકલી હતી.
સૂત્રોના કહેવા મુજબ કેતકી વ્યાસ પહેલેથી અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું, ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હોવાનું કહેવાય છે. કેતકી વ્યાસ સામે આ પહેલા પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઈન્કવાયરી થઈ હતી. ત્યારે કેતકી વ્યાસ પાસે 300 વિધાથી વધુ જમીન હોવાનો દાવો કરાયો છે. કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000 વારથી વધુ જમીન ખરીદી હતી. જો કે આવી લોક ચર્ચાઓમાં તટસ્થ તપાસ થાય તો જ સત્ય પ્રકાશમાં આવી શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે તેની સામે એફઆઈઆર થઈ હતી, જે મામલો હજુ કોર્ટમાં છે. કેતકીએ પાટણના કોટાવડમાં પણ ખેડૂત હોવાનો ખોટો દાખલો આપીને જમીન ખરીદી હોવાનું કહેવાય છે. જેના પર હાલ પેટ્રોપ પંપ છે. આમ, કેતકીએ પોતના દરેક પોસ્ટીંગમાં ઢગલાબંધ કારનામા કર્યાં હોવાનું કહેવાય છે. વર્ષ 2007માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ પણ થઇ હતી.