અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા 2018ના વર્ષથી સુજલામ – સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહયું છે, જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ આજથી સુજલામ – સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાના વાસદ (જેતાપુરા) ખાતે મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી મનિષાબેન વકીલે જેતાપુરા તળાવને ઉંડુ કરવાના કાર્યના ભૂમિપૂજન દ્વારા આણંદ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી મનીષાબેનએ જણાવ્યું હતુ કે, રાજયમાં વરસાદની અસમાનતાને ધ્યાને લઈ લોકોની મૂળભૂત જરૂરીયાત એવા પાણીની જાળવણી થાય અને લોકોને પીવા માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા ઉમદા આશયથી સમગ્ર રાજયમાં વર્ષ 2018થી સુજલામ-સુફલામ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહયું છે. પહેલાના સમયમાં લોકોની પીવાના પાણીની જરૂરીયાત માટે વાવ – કુવાઓનું નિર્માણ થતું હતુ, પરંતુ બદલાતા સમયની સાથે પાણીના સ્તર ઉંડા ઉતરતા ગયા, જેને ધ્યાને લઈ જળની જાળવણી – જળ સંગ્રહની અગત્યતાને સમજીને રાજય સરકારે જળ સંચય માટેનું આ મહા અભિયાન હાથ ધર્યું છે. સુજલામ-સુફલામ જળ અભિયાન એ સાચા અર્થમાં જળની જાળવણી માટેની જાગૃતતાનું અભિયાન છે.
રાજય મંત્રીએ આ જળ અભિયાન દ્વારા ગુજરાતના નાના-નાના ગામડાઓની સાથે પાણીની જરૂરીયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરીયાતને પૂર્ણ કરવા સબંધિત વિસ્તારોમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે, તેમ જણાવી સરકારના જળ અભિયાનના અભિનવ યજ્ઞકાર્યને લોકસહયોગ દ્વારા વેગ આપવા અનુરોધ કર્યો હતો.
તેમણે કહયું હતુ કે, રાજય સરકારે લોકોની પીડાને સમજી તેના નિવારણ માટે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ બનાવી લોકોના ઘર સુધી તેને પહોંચાડી છે. રાજયમાં મહિલા અને બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરાયેલા કાર્યોની વિગતે વાત કરતાં મંત્રીશ્રીએ ગુજરાતમાં ૫૨ (બાવન) ટકા બહેનો અને ૧૬ ટકા બાળકો છે, જેમના શારીરીક – માનસિક વિકાસની સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટેની ચિંતા રાજય સરકાર કરી રહી છે, ત્યારે આપણે સૌએ પણ સાથે મળી આપણી ભાવી પેઢી સમા બાળકો સુપોષિત રહે તેની ચિંતા કરવી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લામાં ગત વર્ષે સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગ દ્વારા ૭ કરોડના ખર્ચે જળ સંગ્રહના 347 જેટલા કામો લોકભાગીદારીથી કરવામાં આવ્યા હતા. જેની સામે આ વર્ષે જિલ્લામાં સુજલામ – સુફલામ જળ અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગ દ્વારા જળ સંગ્રહના 700 જેટલા કામો 19 કરોડના ખર્ચે કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનાથી આણંદ જિલ્લાના આઠ તાલુકાના વિવિધ ગામોને લાભ મળશે.