મુંબઈઃ ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ લાલબાગના રાજાને 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. મુગટની કિંમત 16 કરોડ રૂપિયા છે. અનંત અંબાણીએ શ્રદ્ધા ભાવથી ગણેશ મંડળને તાજ સોંપ્યો છે. અનંત અંબાણીને લાલબાગ સાર્વજનિક ગણેશ મંડળ વતી મંડળની કાર્યકારી સમિતિના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અંબાણીના પરિવાર દર વર્ષે ગણપતિ બાપ્પા માટે ભક્તિભાવ સાથે દાન કરે છે.
આ વર્ષે લાલબાગના રાજા મયુરાસન પર બિરાજમાન છે. તેમના માથા પર શોભતો સોનાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર રહે છે. 14 ફૂટની ગણપતિની મૂર્તિનું ભવ્ય રૂપ જોઈને ભક્તોમાં આનંદ અને ઉમંગ છવાઈ ગયો હતો.
લાલબાગના રાજાના ગણેશ મંડળ દ્વારા 7મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. લાલબાગ રાજા સમિતિ કોવિડ-19 દરમિયાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે અનંત અંબાણી મદદ માટે આગળ આવ્યા હતા. અહેવાલો અનુસાર, તેમણે ગણેશ મંડળને 24 ડાયાલિસિસ મશીનો દાનમાં આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે લાલબાગનું રાજા ગણેશ મંડળ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે. ગણેશોત્સવ આખા મહારાષ્ટ્રમાં ઉજવાય છે પણ મુંબઈના ઉત્સાહનું પોતાનું આગવું મહત્વ છે. મુંબઈનું આ ગણેશ મંડળ ખૂબ પ્રખ્યાત છે. અહીં દેશ-વિદેશથી લોકો દર્શન માટે આવે છે. મુંબઈમાં દર વર્ષે મોટા નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ આ ગણેશ મંડળમાં દર્શન માટે આવે છે.
દર વર્ષે સામાન્ય લોકો દર્શન કરી શકે તે માટે ગણેશ મંડળો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો પોતાની ઈચ્છા સાથે આવે છે. ભક્તોના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિના પૂરમાં ડૂબી જાય છે.