રાજકોટમાં રસરંગ લોકમેળાના ઉદઘાટન કાર્યક્રમમાં થશે પ્રાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ
રાજકોટ:રાજકોટ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. 05 થી 09 સપ્ટેમ્બર સુધી “રસરંગ લોકમેળા”નું આયોજન કરાયું છે. જેના ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દીહોરાના માર્ગદર્શન હેઠળ રાસ-ગરબા-ડાયરાની વિસરાતી જતી પરંપરાને ઉજાગર કરતી વૈવિધ્યપૂર્ણ નવ સાંસ્કૃતિક કૃતિઓની કલાત્મક પ્રસ્તુતિ કરાશે. જે પૈકી શ્રીવૃંદ ગ્રુપ અર્વાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ કરશે.
શ્રીવૃંદ ગ્રુપના સંચાલક વિરંચીભાઈ બુચ જણાવે છે કે શ્રીવૃંદ ગ્રુપ દ્વારા પ્રસ્તુત થનારા અર્વાચીન ગરબાના શબ્દો છે “નભના ચોકે નવદુર્ગા રમતી હતી રાસ”. નવદુર્ગાના ગરબામાં દસ યુવતીઓ માતા દુર્ગાના દસ સ્વરૂપને રજૂ કરશે. આ ગરબાએ ઇન્ટરનેશનલ કલ્ચરલ ફેસ્ટિવલ, કુલુમાં દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમજ “અમે મહિયારાં રે ગોકુળ ગામનાં..” અર્વાચીન ગીત ઉપર અઠંગો રાસને આઠ કલાકાર મહિલાઓ રજૂ કરશે. આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને સમગ્ર દેશમાં પ્રથમ આવી છે. બંને કૃતિ માટે પ્રાપ્તિબેન બુચ તથા રન્નાબેન છાયા જહેમત ઊઠાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો હોવાનું મનાય છે. ભારતીય પ્રાચીન પરંપરામાં ગરબાને માતા આદ્યશક્તિની ભક્તિ સાથે જોડવામાં આવ્યા છે. નવરાત્રિના તહેવાર દરમિયાન ભક્તો કાણાવાળી મટકીમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીનું પૂજન-અર્ચન કરે છે. તેમજ ગરબા ગાઈને તથા ગરબે ઘુમીને માતા પાર્વતીના નવ રૂપોની ઉપાસના કરે છે.
આ ઉપરાંત, અઠંગો રાસને ગોફ રાસ અને ગૂંથણી રાસ પણ કહેવાય છે. જે કાન્હા-ગોપીની યાદમાં દાંડિયાથી રમાય છે. રાસના મઘ્યમાં વાંસનો દંડા સાથે જુદા-જુદા રંગોના દોરડાઓ બાંધેલા હોય છે. રાસ રમતી વખતે દરેક ખેલૈયાના હાથમાં દોરડાનો છેડો હોય છે. ચાર-ચાર ભાઈઓ-બહેનો રાસ લેતા-લેતા દોરડાંની ગૂંથણી કરતા જાય છે. તેવી જ રીતે, ગૂંથણી કર્યા બાદ રાસ રમતા-રમતા ઉકેલતા જાય છે. ક્યારેક ગૂંથણીવાળી જગ્યાએ પ્રસાદ ભરેલી મટુકી મૂકાય છે. રાસ બાદ એક યુવક શ્રીકૃષ્ણ બની પ્રેક્ષકોને પ્રસાદ વહેંચે છે.