અંદમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ
- અંદમાન-નિકોબારમાં ભૂકંપના આંચકા
- ૩.8 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
દિલ્હી : સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ આવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં શુક્રવારે રાત્રે લગભગ 1:37 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 રહી. જો કે, ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.
આ મહિને 5 ઓગસ્ટે અંદમાન અને નિકોબાર ટાપુઓ પર 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાત્રે લગભગ 11:27 વાગ્યે આવેલા આ ભૂકંપની ઉંડાઈ 13 કિમી હતી. અંદમાન અને નિકોબાર ટાપુઓ ખૂબ જ ભૂકંપગ્રસ્ત પ્રદેશ છે. અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
હજુ ગઈકાલે જ ગુજરાતના જામનગરમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.7.14 કલાકે અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતા નોંધાઈ હતી.સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજતા લોકો ભયને લીધે ઘરની બહાર દોડી આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિમી દૂર હતું.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.