સાણંદ તાલુકાના અણદેજ ગામે તોફાની વાનરોએ 6 વ્યક્તિને ઘાયલ કરતા લોકોમાં ફફડાટ
અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકાના અણદેજ ગામે વાનરોના ત્રાસથી ગ્રામજનો પરેશાન બનતા વાનરોનો ત્રાસ દુર કરવા વન વિભાગને રજુઆત કરવામાં આવી છે. તોફાની વાનરોએ હુમલો કરતાં 6 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. જ્યારે બે દિવસ વન વિભાગની ટીમ વાનરને પકડવા ગામમાં ગોઠવાઈ હતી પરંતુ ગામમાથી વાનર સીમમાં જતો રહેતા તંત્ર તથા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સાણંદ તાલુકાનાં અણદેજ ગામે બે દિવસ પહેલા જ ગામમાં અવરજવર કરતાં લોકો અને ખેતરે જતાં લોકો ઉપર વાનરે ચીચયારી પાડી એકાએક હુમલો કરતાં લોકો ભયભીત બન્યા હતા. 6 લોકોને વાનરે બચકાં, નખો મારી ઇજા પહોચાડી હતી.ઘવાયેલા 6 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે વનવિભાગને જાણ કરતાં 1 વન વિભાગની રેસ્ક્યૂ ટિમ અણદેજ ગામમાં ધામા નાખ્યા હતા. વળી ગામના લોકો દિવસે અને રાત્રે હાથમાં લાકડી, ધોકા સહિત હથિયારો લઈને વાનરને ભગાડવા એકત્રિત થયા હતા. વાનરો હાલ તો સીમ તરફ જતા રહેતા ગામના લોકો અને રેસ્ક્યૂ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
સાણંદના વન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે વાનરો હાલ ગામ છોડીને સીમ બાજુ નીકળી ગયા છે. અને ગામમાં કોઇ ઇસ્યુ નથી. ગામના માણસો, સરપંચ અને સ્થાનિક સ્ટાફ અને રેસ્ક્યૂ ટિમ સતત સંપર્કમાં છે. જો ફરી જોવા મળશે તો રેસ્ક્યૂ ટિમ ટેમ્પયુલાઝર ગન સાથે પહોચી જશે. 6 માણસોને નાની મોટી ઇજાઓ પહોચી છે. જેઓને સારવાર કરાઇ હતી.