આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશે જગન મોહન રેડ્ડી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પોલીસે કૌશલ વિકાસ નિગમના કથિત કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે અને હાલ તેઓ જેલમાં બંધ છે. દરમિયાન ચંદ્રબાબુ નાયડુના પુત્રએ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં જેલમાં બંધ પિતા ચંદ્રબાબુ નાયડુના જીવને ખતર હોવાનો દાવો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશે જગન મોહન રેડ્ડી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જણાવ્યું હતું કે, જેલમાં રહેલા મારા પિતાને કંઈ થશે તો જગન મોહન રેડ્ડી સરકારને સીધો દોષિત માનવામાં આવશે.
TDP પાર્ટીના મહાસચિવ નારા લોકેશે દાવો કર્યો હતો કે, ચંદ્રબાબુ નાયડુના જીવનને જેલમાં ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. પુરાવાના અભાવે તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. તેમને જ્યાં રાખવામાં આવ્યા હતા તે જેલ મચ્છરોથી ભરેલી છે. અધિકારીઓ આ સમસ્યાની અવગણના કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. તેમના પિતા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરે કૌશલ્ય વિકાસ નિગમના ભંડોળના કથિત દુરુપયોગ માટે ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં બંધ છે.
આંધ્રપ્રદેશમાં હાલ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની સરકાર છે. જ્યારે આગામી વર્ષે આંધ્રપ્રદેશમાં ચૂંટણી યોજાવાની શકયતા છે. તે પૂર્વે જ ચંદ્રબાબુ નાયડુની ધરપકડને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં ધરપકડને પગલે નાયડુના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.