Site icon Revoi.in

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના કાકાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી

Social Share

અમરાવતી :આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીના કાકાની ધરપકડ કરવામાં આવી છે. CBIએ તેમની વિવેકાનંદ રેડ્ડી હત્યા કેસમાં ધરપકડ કરી છે. સીએમ જગન મોહન રેડ્ડીના કાકા વાયએસ ભાસ્કર રેડ્ડીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઈએ શુક્રવારે આ કેસમાં ગજ્જલ ઉદય કુમાર રેડ્ડીની ધરપકડ કરી હતી. ઉદય કુમારને અગાઉ સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા, જોકે બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રવિવારે આ કેસમાં વાયએસ ભાસ્કર રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે.

વિવેકાનંદ રેડ્ડી રાજ્યના સ્વર્ગસ્થ સીએમ વાયએસ રાજશેખર રેડ્ડીના ભાઈ અને સીએમ જગનમોહન રેડ્ડીના કાકા પણ હતા. 15 માર્ચ, 2019ની રાત્રે તેમના નિવાસસ્થાને તેમની હત્યા કરવામાં આવી હતી. તેમનું નિવાસસ્થાન પુલિવેન્દુલામાં હતું. આ કેસની તપાસ પહેલા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પાસે હતી પરંતુ 2020માં તેની તપાસ CBIને સોંપવામાં આવી હતી. રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા કરવામાં આવી હતી.

સીબીઆઈની ચાર્જશીટ મુજબ, વિવેકાનંદ રેડ્ડી કડપ્પા લોકસભા સીટ પરથી કથિત રીતે પોતાના માટે અથવા વાયએસ શર્મિલા (મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની બહેન) અથવા વાયએસ વિજયમ્મા (જગન મોહન રેડ્ડીની માતા) માટે ટિકિટ માંગી રહ્યા હતા.

ઉદય કુમાર રેડ્ડીની વાત કરીએ તો તેના પિતા જયપ્રકાશ રેડ્ડીની પણ પોલીસે પૂછપરછ કરી છે. તેના પર વિવેકાનંદ રેડ્ડીના શરીર પરની ઇજાઓને પાટો વડે છુપાવવાનો આરોપ છે. તુમ્માલપલ્લી યુરેનિયમ ફેક્ટરીમાં કામ કરતા ઉદય કુમાર, ઉદય કુમાર રેડ્ડીની અગાઉ પણ પૂછપરછ કરવામાં આવી છે. વિવેકાનંદ રેડ્ડીની હત્યાના સમાચાર સામે આવ્યા બાદ સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચેલા લોકોમાં તે પણ હતો.