અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં હોવાના સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દરમિયાન આંધ્રપ્રદેશમાં 92 ટકા કરતા વધારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દબાયેલા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ 42.5 ટકા ખેડૂતોના માથે દેવુ હોવાનું કેન્દ્રના નેસનલ સર્વેના તારણોમાં સામે આવ્યું છે. રાજ્યના લગભગ 43.19 લાખ ખેડૂતો પૈકી 22.61 લાખ ખેડૂતો દેવાદાર છે. ગુજરાત દેવામાં 42.5 ટકા સાથે 14 માં ક્રમે છે.
કેન્દ્રના નેશનલ સેમ્પલ સર્વેના તારણ અનુસાર આંધ્રપ્રદેશમાં 93.2 ટકા, તેલંગણામાં 91.7, કેરળમાં 69.9, કર્ણાટકમાં 67.6 ટકા, તામિલનાડુમાં 65.1, ઓડિસામાં 61.2, રાજસ્થાનમાં 60.3, પંજાબમાં 54.4, મહારાષ્ટ્રમાં 54, પશ્ચિમ બંગાળમાં 50.8, ત્રિપુરામાં 47.7, હરિયાણામાં 47.5, ઉત્તરાખંડમાં 46.6, ગુજરાતમાં 42.5, અને ઉત્તરપ્રદેશમાં 41.9 ટકા ખેડૂતો દેવા હેઠળ દબાયેલા છે. ખેડૂતોના વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે પરંતુ જમીની સ્તરે કામ કેટલું થયું છે. જે આ આંકડા ઉપરથી જાણી શકાય છે. કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોને તેમના પાકનું પુરતુ વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે. એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6 હજાર ચુકવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાની વિરોધમાં એકવર્ષથી વધારે સમયથી આંદોલન કરતા હતા. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકારે આ કાયદા પરત ખેંચ્યાં હતા. તેમજ લોકસભા અને રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં કાયદા પરત ખેંચવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂર રાખ્યું છે.