Site icon Revoi.in

આંધ્રપ્રદેશઃ YSRCP ના યુવા નેતાની હત્યા, ટીડીપી ઉપર જગન રેડ્ડીએ કર્યાં આક્ષેપ

Social Share

હૈદરાબાદઃ YSRCP યુવા પાંખના સભ્ય રાશિદની આંધ્ર પ્રદેશના પલાનાડુ જિલ્લાના વિનુકોંડા શહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલાને લઈને પલાનાડુ જિલ્લા પોલીસ અધિક્ષક કાંચે શ્રીનિવાસે કહ્યું કે, શેખ જિલાની નામના વ્યક્તિએ રાશિદ પર હુમલો કર્યો, જેના કારણે તેનું મોત થયું છે. હાલની તપાસમાં આ ઘટનામાં કોઈ રાજકીય એંગલ સામે આવ્યું નથી. હાલ આરોપીની તપાસ ચાલી રહી છે. આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને કડક સજાનો સામનો કરવો પડશે.

YSRCPના જણાવ્યા અનુસાર, રાશિદ તેમની પાર્ટીનો કાર્યકર હતો, જેની TDP કાર્યકર્તાઓએ હત્યા કરી હતી. વાયએસઆરસીપીના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ કહ્યું, “વિનુકોંડામાં ટીડીપીના કાર્યકરો દ્વારા હત્યા કરાયેલા રાશિના પરિવાર પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સરકાર વિપક્ષને દબાવવા માટે ઘૃણાસ્પદ કૃત્યો કરી રહી છે. ચંદ્રબાબુ નાયડુને ચેતવણી આપું છું કે, સત્તા કાયમી નથી અને તેઓએ તેમના હિંસક માર્ગો છોડી દેવા જોઈએ.” રેડ્ડીએ કહ્યું કે, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન આપવા વિનંતી કરું છું.”

પલનાડુ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કે. શ્રીનિવાસે કહ્યું હતું કે, “આ હત્યા પાછળ કોઈ રાજકીય એન્ગલ નથી. વિનુકોંડામાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.” YSRCP નેતા કાસુ મહેશ રેડ્ડીએ કહ્યું, “ગઈકાલે TDPએ YSRCPના લઘુમતી નેતા પર હુમલો કર્યો અને વિનુકોંડામાં તેમની હત્યા કરાઈ. અમે કેન્દ્ર સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ.” જ્યારે, ટીડીપી એમએલસી જી. દીપક રેડ્ડીએ કહ્યું કે, “વાયએસઆરસીપીનું કહેવું છે કે ગઈ કાલે પલનાડુમાં થયેલી હત્યા ટીડીપીના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. આ ખોટું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ વિવાદ બે મિત્રો વચ્ચે હતો અને બંને YSRCPના કાર્યકરો હતા. YSRCP, તે ખોટા આરોપો લગાવી રહી છે.”