- ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે બન્યો બનાવ,
- આંગડિયાનો કર્મચારી એક્ટિવા પર પૈસા લઈને જતો હતો,
- લૂંટારૂ શખસોને પકડવા પોલીની દોડધામ
પાલનપુરઃ બનાસકાંઠાના ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના કર્મચારીને ધમકાવીને રૂપિયા 80 લાખની લૂંટી લેતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. આંગડિયા પેઢીનો કર્મચારી એકટીવા પર પૈસા લઈને જતો હતો ત્યારે બે શખસો તેને આંતરીને રિવોલ્વર બતાવી રૂપિયા 80 લાખથી વધુ નાણા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવી રહી છે. લૂંટારૂ શખસોને પકડવામાટે હાઈવે પરના નાકા પર વોચ રાખવામાં આવી રહી છે.
ડીસામાંથી આંગડિયા પેઢીનો કર્મચારી એકટીવા પર ઘરેથી રૂપિયા 80 લાખ ઉપરાંતની રકમ લઈને નીકળ્યો હતો ત્યારે લાલ ચાલી વિસ્તારમાં બે શખસોએ તેને આંતરી બંદૂક બતાવી રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટનો ભોગ બનેલા કર્મચારીની પણ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ડીસા શહેરમાં હવાલાનું કામ કરતા ટીનાભાઇ રાજપૂતના ઘરેથી તેમનો ઓફિસનો માણસ રૂપિયા 80 લાખ ઉપરાંતની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યો હતો. ત્યારે વાડી રોડ થઈ લાલ ચાલી વિસ્તારમાંથી નીકળતા બે અજાણ્યા શખસોએ તેને આંતરી બંદૂક બતાવી બેગ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા શહેર ઉત્તર તેમજ દક્ષિણ પોલીસની ટીમો પણ દોડી આવી હતી અને લૂંટારોને પકડવા કવાયત હાથ ધરી હતી.