Site icon Revoi.in

ભરૂચમાં આંગડિયા લૂંટનો પ્રયાસઃ બસના ક્લિનર અને મુસાફરની હિંમત સામે લૂંટારુઓ હાર્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર આંગડિયા પેઢીના કર્મચારીઓને અજાણ્યા શખ્સો દ્વારા લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પેઢીના કર્મચારીઓ કરોડોની મતા લઈને ખાનગી બસમાં જતા હતા ત્યારે માર્ગમાં કારમાં આવેલા શખ્સોએ બસ અટકાવી હતી. તેમજ આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બસના એક મુસાફર અને ક્લિનરે લૂંટારૂઓને પડકારતા લૂંટારૂઓનું કાવતરુ નિષ્ફળ રહ્યું હતું. લૂંટારુઓએ કરેલા ગોળીબારમાં એક મુસાફર ઘવાયો હતો.

પ્રાપ્ત માહિતી અનસાર મુસાફરો ભરેલી ખાનગી લકઝરી બસ ભરૂચ નજીકથી પસાર થઈ રહી હતી. આ બસમાં ચારેક આંગડિયા પેઢીના કર્મચારીઓ અઢી કરોડના હિરા લઈને મુસાફરી કરતા હતા. દરમિયાન ભરૂચ નજીક નેશનલ હાઈવે ઉપર મહારાષ્ટ્ર પાર્સિંગની કારે બસની ઓવરટેઈક કરીને અટકાવી હતી. તેમજ કારમાં બેઠેલા અજાણ્યા શખ્સોએ બહાર આવીને બસના ચાલક અને ક્લિનર ઉપર હુમલો કરીને બસમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગરના મુસાફર અનિલ ડાંગર અને ક્લીનર શફીકે લૂંટારુઓનો સામનો કરીને બસનો દરવાજો બંધ રાખતા લૂંટારુઓ મુસાફરો સુધી પહોંચી શક્યા ન હતા. લૂંટારુઓએ આ બંને ઉપર ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલ ઈજાગ્રસ્ત થયા હતા. દરમિયાન મુસાફરોએ બુમાબુમ કરતા પકડાઈ જવાના ડરે લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફર અનિલ ડાંગરને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા ટોલટેક્સ અને હાઇવે હોટલોના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરાવી અલગ અલગ દિશામાં તમ રવાના કરી હતી.