આંગણવાડી બહેનોએ સરકાર સામે છેડ્યો જંગ, રાજકોટમાં કલેક્ટર કચેરી સામે સૂત્રોચ્ચાર કરાયો
રાજકોટઃ રાજ્યભરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડયો છે. રાજકોટમાં પણ આંગણવાડી બહેનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર સાથે આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો આંગણવાડી કર્મચારીઓએ નિર્ધાર કર્યો હતો.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનની મળેલી સંયુકત બેઠકમાં લઘુતમ વેતન અને નિવૃતિ વય મર્યાદા સહિતનાં 16 પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલન છેડવાનું એલાન કર્યુ હતુ. જે અંતર્ગત સોમવારે રાજકોટમાં પણ જિલ્લા કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો એકત્રિત થઇ હતી અને ઉગ્ર સુત્રોચાર સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ સાથે રજુઆત કરી હતી.
રાજકોટમાં કલેકટર કચેરી ખાતે પડતર માંગણીઓને લઈને આંગણવાડી કર્મચારીઓ એકત્રિત થઇ સૂત્રોચ્ચાર કર્યા હતા. માનદ વેતન 7800 છે તે વધારી લઘુતમ વેતન 20,000 કરવાની માંગ કરવામાં આવી છે, જયારે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં માનદ વેતન સૌથી ઓછું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આંગણવાડી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, મોંઘવારી વધતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ આશા વર્કરોને તો માત્ર 3000 જ વેતન આપવામાં આવતા મોંઘવારી સામે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે માટે આંદોલનનો સુર ઉઠાવી આગામી તા. 10 સપ્ટેમ્બર સુધીમાં કોઈ માગણીઓ સંતોષવામાં નહિ આવે તો ગાંધીનગરમાં ધરણા સહિતનાં કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંગણવાડી બહેનોએ લડત આપવાનો નિર્ધાર કર્યો હતો.