અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી મ્યુનિ, હસ્તકની લાયબ્રેરીને બંધ કરવાની વિવાદાસ્પદ દરખાસ્ત મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી હતી. મ્યુનિ. દ્વારા લાયબ્રેરી બંધ કરવા માટેનું કારણ જણાવવામાં આવ્યું છે. કે, અસામાજિક તત્વોના ત્રાસને કારણે લાયબ્રેરી બંધ કરીને હવે તે જગ્યાએ આંગણવાડી શરૂ કરવામાં આવશે. મ્યુનિ.ના સત્તાધિશોના આ પ્રકારના હાસ્યાસ્પદ નિર્ણયને કારણે સવાલો ઉભા થયાં છે કે, લાયબ્રેરીમાં અસામાજિક તત્વોનો આતંક હોય તો આંગણવાડીમાં નાના બાળકો કેવી રીતે સુરક્ષિત રહી શકશે. આંગણવાડી શરૂ કરવી તે સારી બાબત છે, પણ અમરાઈવાડીના લોકોને માટે લાયબ્રેરીમાં જે વાંચનની સુવિધા હતી તે છીનવાઈ જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી AMC સંચાલિત શામળદાસ ભટ્ટ લાયબ્રેરીને બંધ કરવા માટેની દરખાસ્ત મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી છે. આ લાયબ્રેરી 2017માં સ્થાનિક લોકો માટે શરૂ કરાઈ હતી અને તેમાં લોકો વાંચવા માટે આવતા હતાં. હવે મ્યુનિ. કોર્પોરેશનના પુસ્તકાલય વિભાગ દ્વારા આ લાયબ્રેરીને બંધ કરી તેનું પઝેશન એસ્ટેટ વિભાગને આપવાની દરખાસ્ત લાવવામાં આવી છે. આ લાયબ્રેરી બંધ કરવા પાછળ એવું કારણ ટાંકવામાં આવ્યુ છે. કે, અહીં લૂખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે અને ભૂતકાળમાં પણ અનેક કર્મચારીઓ પર લુખ્ખા અને અસમાજિક તત્વોએ હૂમલા કર્યાં છે. જેથી લાયબ્રેરીની જગ્યાએ ત્યાં આંગણવાડી બનાવવા જગ્યા સોંપવા દરખાસ્તમાં જણાવાયું હતું. આવા હાસ્યાસ્પદ કારણોને લઈને અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે. સ્થાનિક લોકોમાં પણ મ્યુનિ,સત્તાધિશોના આ નિર્ણયને લઈને રોષ ફેલાયો છે. લાયબ્રેરીથી પોલીસ સ્ટેશન ખૂબજ નજીક છે જેથી પોલીસની મદદ લઈને આગળ વધવું જોઈએ