Site icon Revoi.in

ગુજરાતમાં આંગણવાડી મહિલા વર્કરોએ સરકાર સામે માંડ્યો મોરચો, બે દિવસની હડતાળ

Social Share

રાજકોટઃ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ રાજ્યના આંગણવાડીના મહિલા વર્કરોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. આંગણવાડી વર્કરોને લઘુતમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા તેમજ સારો મોબાઇલ આપવા સહિતની માંગણીઓને લઈને રાજ્યભરમાં છેલ્લા 2 દિવસ એક લાખ આંગણવાડી બહેનો હડતાલ પર ઊતરી ગયા હતા. જેમાં રાજકોટ જિલ્લાની 5 હજારથી વધુ આંગણવાડી મહિલા વર્કરોએ હડતાલ પર ઊતરી શહેરના જ્યુબિલી ગાર્ડન ખાતે એકત્ર થઈ હતી અને લઘુતમ વેતન ચૂકવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ તકે આંગણવાડી સદંતર બંધ કરવાની સાથે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર રિજિયન મહામંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રમુખ સંગીતા દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 2,500 જેટલી આંગણવાડી આવેલી છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પર સહિત 5 હજારથી વધુ બહેનો 2 દિવસની હડતાલ પર છે. રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં 62,000થી વધુ બાળકો છે, પરંતુ બે દિવસ આંદોલનને કારણે આંગણવાડી બંધ રાખવામાં આવી છે. બહેનોને લઘુતમ વેતન દર આપવા ઉપરાંત પગાર વધારા સહિતની માંગને લઈને  રાજકોટ શહેરના જ્યુબિલી મેદાન ખાતે આંગણવાડી બહેનોએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો હતો. આજે શનિવારે રાજકોટમાં આંગણવાડી બહેનો વિશાળ રેલી કાઢી વિરોધ નોંધાવશે.

આંગણવાડી મહિલા વર્કરોની એવી માગણી છે. કે, આંગણવાડીમાં કામ કરતા મહિલા કર્મચારીઓને લઘુતમ વેતન આપવામાં આવે, તેમને કાયમી કરવામાં આવે તેમજ સારી કંપનીના મોબાઈલ આપવામાં આવે તો સરકારમાં મોકલવાના થતાં રિપોર્ટની ઓનલાઇન કામગીરી યોગ્ય રીતે થઈ શકે તેમ છે. ESI અને પ્રોવિડન્ટ ફંડના લાભો પણ અપાતા નથી. છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારનું પ્રમોશન આપવામાં આવ્યું નથી, જેથી આ પ્રમોશન આપવામાં આવે. હેલ્પર અને વર્કરનો 50 ટકા રેશિયો છે, જે વધારી 75 ટકા કરવામાં આવે તેવી માગ કરવામાં છે. આંગણવાડી વર્કર બહેનોને હાલ મહિને રૂ. 10,000 વેતન ચૂકવવામાં આવે છે, જ્યારે હેલ્પર બહેનોને રૂ. 5,500 ચૂકવવામાં આવે છે. લઘુતમ વેતન ધારા મુજબ રૂ. 26,000નું વેતન મશવું જોઈએ,

આંગણવાડી મહિલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, વધતી જતી મોંઘવારીમાં બહેનો માટે જીવન નિર્વાહ ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તેલના ડબ્બા, ગેસના બાટલાના વધતાં ભાવ, સ્કૂલની ફી વધતાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જેથી સરકાર હાલ મજાકરૂપ પગાર આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018થી પગારમાં કોઈપણ પ્રકારનો વધારો આપવામાં આવ્યો નથી. 2022માં 3 દિવસની હડતાલ પાડી હતી, ત્યારે રાજ્ય સરકારે રૂ.2,200નો વધારો આપ્યો હતો. જેથી કેન્દ્ર સરકાર પગાર વધારો આપે તે ખૂબ જ જરૂરી છે.