Site icon Revoi.in

જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકાતા બિલ્ડરોમાં રોષ, ક્રેડાઈ દ્વારા કાલે સોમવારે CMને રજુઆત કરાશે

Social Share

અમદાવાદ :  ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી દેતા રાજ્યભરના બિલ્ડરોમાં વિરોધ ઊભો થયો છે. ગુજરાત બિલ્ડર્સ એસોસિએશન(ક્રેડાઈ)ની  આજે વર્ચુઅલ ઝૂમ મીટિંગ મળી હતી. જેમાં સરકારના નિર્ણયનો વિરોધ કરાને એવો સૂર વ્યક્ત કરાયો હતો કે, જંત્રી ડબલ કરવાનો નિર્ણય ગુજરાતના ગ્રોથને તોડી નાંખશે. આવતી કાલે સોમવારે 10 વાગ્યે ક્રેડાઈ ગુજરાતના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરાશે. અમદાવાદ ક્રેડાઈ સહિત 40 સીટી ચેપ્ટરના પ્રતિનિધિઓ મુલાકાત માટે જશે. નવી જંત્રી 1 મે થી લાગુ કરવા ડેવલપર દ્વારા સરકારને માંગ કરવામા આવશે. સાથે જ જંત્રીમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા પણ માંગ કરાઈ છે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ના થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજુઆત કરાશે.

રાજ્ય સરકારે જંત્રીના ભાવ બમણા કરતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા હતા. આજે ગુજરાત ક્રેડાઈ દ્વારા વીડિયો કોન્ફરન્સથી બેઠક બોલાવાઈ હતી. ક્રેડાઈના ઉપ પ્રમુખ સુજીત ઉદાણીએ કહ્યું કે, સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો તેનો વાંધો નથી, પરંતું રાતો રાત વધારો ઝીંકી દેવામાં આવ્યો તેની સામે વાંધો છે. જંત્રીમાં ભાવ વધારા પહેલા સર્વે કરાવવો જોઈએ. બિલ્ડરો અને લોકોને સમય મર્યાદા આપવી જોઈએ. તાત્કાલિક જંત્રીના ભાવ ડબલ કરતા બિલ્ડરો અને મિલકત ખરીદનારા લોકોને મુશ્કેલી થશે. બિલ્ડરોને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોમાં નુકસાની વેઠવી પડશે. જંત્રીના ભાવ વધતા અનેક દસ્તાવેજો અને આર્થિક વ્યવહારો અટક્યા છે. તેથી બિલ્ડર એસોસિએશન રાજ્ય સરકારમાં રજૂઆત કરશે.

ગુજરાતમાં સરકાર દ્વારા રાતો રાત જંત્રી ભાવ વધારો થતા સુરત ક્રેડાઈ બિલ્ડર એસોસિયેશન દ્વારા મીટિંગ કરવામા આવી હતી. સુરત ક્રેડાઈના ચેરમેન રાવજીભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું. કે, સુરતના બિલ્ડરો વિરોધ દર્શાવાયો છે. બિલ્ડરો દ્વારા આવતીકાલે સામવારે ગાંધીનગરમાં CM ને રજૂઆત કરવા જશે. મિટિંગમાં બિલ્ડરો વિરોધ જાહેર કર્યો છે. જો સરકાર કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો ગુજરાતમાં વિરોધ થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જંત્રીના દરમાં ડબલ વધારો કરી દેવાતા બિલ્ડરોને જમીનની પડતર કિંમત પર વધુ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે. ઉપરાત પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થશે. દસ્તાવેજની કિંમતમાં પણ વધારો થશે. જંત્રીના દર વધતા પ્રોપર્ટી ટેક્સમાં 30થી 50 ટકાનો વધારો થશે. લોકો માટે હવે ઘર ખરીદવું મુશ્કેલ બનશે. દરમિયાન સરકારે વધારેલી જંત્રી પરત લેવા કોંગ્રસે માંગ કરી છે. કોંગ્રેસના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ જીતુ પટેલે કહ્યું કે, વિજયના ઉન્માદમાં સત્તાના મદમાં લીધેલો પ્રજા વિરોધી નિર્ણય છે. આ સરકાર પ્રજા વિરોધી છે, પ્રજાને ઘરવિહોણા બનાવવાનો કારસો છે. આ ખર્ચ બિલ્ડર પર નહી પ્રજા પર જશે. લોકોના ખિસ્સામાંથી ૩૧ હજાર કરોડ સેરવી લેવાનો કારસો છે. સ્ટેમ્પ ડ્યુટી ડબલ થશે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલે કહ્યું કે, જંત્રીનો બે થી પાંચ ટકાનો ભાવ વધારો યોગ્ય બમણી જંત્રી ન હોવી જોઇએ. સમગ્ર ગુજરાતની પ્રજા પર આર્થિક ભારણ નાંખનારો મુદ્દો છે. સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારા બાદ જંત્રીનો ભાવ વધારો પડતા પર પાટુ મારવા સમાન છે. નવી જંત્રીની સૌથી મોટી અસર ઘરનું ઘર લેવા ઇચ્છતા સામાન્ય વ્યક્તિઓનું સપનું રોળાશે. કોંગ્રેસ વિધાનસભામાં અને રસ્તા પર ઉતરી વિરોધ કરશે.