સુરતઃ ચૂંટાયેલા વહિવટદારો એ પ્રજાની તિજોરીના ટ્રસ્ટીઓ ગણાય છે. પરંતુ સત્તાધિશોની લાપરવાહી કે નિષ્ક્રિયતાને લીધે પ્રજાના ટેક્સના નાણાનો ઘણીવાર વ્યય થતો હોય છે. ત્યારે સુરતમાં ગવિયર વિસ્તારમાં ત્રણ મહિના પહેલા બનાવેલો ડામરનો રોડ પાણીની પાઈપ લાઈન નાંખવા માટે તોડી નંખાતા આ વિસ્તારના લોકોમાં સુરત મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો સામે નારાજગી જોવા મળી રહી છે.
સુરતના ગવિયર વિસ્તારમાં ત્રણ મહિના પહેલા જ બનાવેલો નવો ડામર રોડ તોડી નાંખવામાં આવ્યો છે. બે વિભાગ વચ્ચે સંકલનના અભાવે પાણીની લાઇન નાંખવા માટે આ રોડ તોડવાની નોબત આવતા પ્રજાના પૈસાનું પાણી થઇ ગયું છે. જો કે, આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, રોડનીની ટ્રેન્ચ લાઇન બેસી ગઇ હોવાથી માત્ર પેચવર્ક કરવામાં આવ્યું છે. નવો રોડ બનાવવામાં આવ્યો નથી. જ્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ ત્રણ માસ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો હતો અને 15 દિવસ પહેલા જ રોડ તોડીને પાણીની લાઇન નાંખવામાં આવી રહી છે. ગવિયર વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલથી ડુમસગામ તરફ જતો આ રોડ જાન્યુઆરી મહિનામાં જ બનાવવામાં આવ્યો હતો. આ રોડની જમણી તરફ હાઇડ્રોલિક વિભાગ દ્વારા 1200 મીમી વ્યાસની પાણીની નળિકા નાંખવામાં આવી રહી છે. પાણીની લાઇનનું નેટવર્ક નજીકમાં આવેલી ઓવરહેડ ટાંકી સુધી નાંખવામાં આવશે. જે અંતર્ગત હાલમાં એક કિલોમીટર સુધીનો રોડ ખોદી નાંખવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત મ્યુનિ.કોર્પોરેશનના વહિવટ સામે લોકો અનેક પ્રશ્નો કરી રહ્યા છે. મ્યુનિ.ની તિજોરી તળિયાઝાટક છે, તેવી સ્થિતિમાં ગવિયર વિસ્તારમાં નવો ડામર રોડ તોડવામાં આવતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. નવેસરથી રોડ બનાવવામાં ફરી એકવાર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ મામલે તપાસ કરાવીને જવાબદારો સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી છે.