દેશના જાણીતા ઔદ્યોગિક જૂથોમાં સામેલ અનિલ અંબાણીની કંપની દેવાળિયા થવાની અણિ પર છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ એટલે કે એરકોમે દેવાળિયા ઘોષિત થવાની અરજી દાખલ કરી છે.
શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડે કહ્યું છે કે કંપનીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ એટલે કે એનસીએલટીની જોગવાઈઓ હેઠળ ડેબ્ટ રિઝોલ્યૂશન પ્લાન પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે કાયદાકીય પડકારોને કારણે આરકૉમને કર્જની ચુકવણીમાં મુશ્કેલીઓ પડી રહી છે. તેની સાથે જ ઉધાર આપનારાઓ વચ્ચે સંમતિ બની શકી નથી.
દેવા તળે દબાયેલી કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે આરકૉમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે આજે (શુક્રવારે) કંપનીની કર્જના નિપટારાની યોજનાની સમીક્ષા કરી છે. બોર્ડે તારવ્યું છે કે અઢાર માસ પસાર થઈ ગયા બાદ પણ મિલ્કતો વેચવાની યોજનાઓથી કર્જદાતાઓને હજી સુધી કંઈપણ પ્રાપ્ત થઈ શક્યું નથી. બોર્ડે નક્કી કર્યું છે કે કંપની એનસીએલટી મુંબઈ દ્વારા ઝડપથી સમાધાનનો વિકલ્પ પસંદ કરશે.
કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો મત છે કે આ પગલું તમામ સંબંધિત પક્ષોના હિતમાં હશે. એનસીએલટી હેઠળ તમામ કર્જોને પારદર્શક અને સમયબદ્ધ રીતે 270 દિવસોની અંદર નિપટારો થઈ શકશે. એનસીએલટીની પાસે જવાના નિર્ણયની પાછળનો તર્ક જણાવતા કંપનીએ કહ્યું છે કે આરકોમને ઉધાર આપનારી સંસ્થાઓની વચ્ચે ઘણો મતભેદ છે. ગત બાર માસ દરમિયાન સંમતિ બનાવવા માટે 5 બેઠકો થઈ હતી તેના સિવાય હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને દૂરસંચાર વિવાદ તથા અપીલ ટ્રિબ્યૂનલ એટલે કે ટીડીએસએટીની પાસે કંપની વિરુદ્ધ ઘણાં મામલા વિલંબિત છે.