1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં લોકોમાં જાગૃતિ માટે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઊજવણીનો પ્રારંભ
ગુજરાતમાં લોકોમાં જાગૃતિ માટે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઊજવણીનો પ્રારંભ

ગુજરાતમાં લોકોમાં જાગૃતિ માટે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઊજવણીનો પ્રારંભ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 31 જાન્યુઆરી-2024 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો મુખ્ય હેતુ તમામ જીવોનું કલ્યાણ, પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓ,  પશુઓને બંધનમુક્ત કરવા તેમજ પ્રાણીઓના સંરક્ષણ કરવા સહિતના કાર્યો કરવાનો છે.  જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ, તથા તાલીમ શિબિર યોજવામાં આવશે.

સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને શાળા, કોલેજ, કન્યા કેળવણી મંડળો તેમજ ગ્રામ પંચાયતો અને નગરપંચાયતો તરફથી પ્રાણી કલ્યાણ અને પ્રાણી પ્રત્યે પ્રેમ, દયા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. પશુઓને ખુલ્લામાં ટાઢ, તાપ અને વરસાદમાં લાંબા સમય સુધી બાંધી રાખવામાંથી મુક્તિ આપવા લોકોને સમજ અપાશે તેમજ ઇરાદાપૂર્વક ઘાતકીપણું અટકાવવા પગલાં લેવામાં આવશે. પખવાડિયા દરમિયાન પ્રાણી કલ્યાણનું કામ કરતી સંસ્થાઓની મુલાકાત લઇ પ્રાણીઓ પ્રત્યે માયાળું વર્તન કરવાનું સૂચન કરવામાં આવશે.

રખડતા પશુઓના આરોગ્યને પ્લાસ્ટીકની કોથળી ખાવાના કારણે નુકશાન થાય છે તો કેટલાક સંજોગોમાં પશુના મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. તે બાબતે વધુ ભાર આપી નાગરિકો ઘરનો કચરો, રસોડાનો વધેલો ખોરાક અથવા એઠવાડ, પ્લાસ્ટીકની કોથળી જાહેર રસ્તા પર ન ફેંકે તે અંગે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન પણ અપાશે. રખડતાં કુતરાઓ પર ક્રુરતા ન આચરવામાં આવે તેની પણ ખાસ તકેદારી લેવામાં આવશે. પખવાડીયા દરમિયાન દરેક પશુચિકિત્સક અધિકારીઓ તથા પશુઘર નિરીક્ષક દ્વારા કોઇપણ બિમાર કે ઇજા પામેલ બિનવારસી પ્રાણીઓની સારવાર માટે જીવદયા સંસ્થા કે કોઇપણ વ્યક્તિ લાવે તો વિનામૂલ્યે સારવાર અપાશે.

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો છપાવવા ઉપરાંત પ્રાણી કલ્યાણ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય કક્ષાએ યોજાતી શિબિરો દરમિયાન ગૌવંશ હત્યાના પ્રતિબંધ ધારો અમલમાં છે તેની જનજાગૃતિ કેળવવા માટે પ્રચાર કરાશે. તે ઉપરાંત પક્ષીઓ માટે સાનુકુળ વૃક્ષો જેવા કે જાંબુ, લીમડો, પીપળો, શીમળ જેવા વૃક્ષોના મોટા પ્રમાણમાં વાવેતર માટે લોકોને અનુરોધ કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ‘‘ઑક્સીટોસીન’’ ઇન્જેકશનના દુરૂપયોગ બાબતે લોકજાગૃતિ લાવવા પણ પુરતા પ્રયાસો કરવામાં આવશે આ ઉપરાંત તા. 14 ફેબ્રુઆરી 2024 વસંપંચમીના દિવસે જીવ જંતુ કલ્યાણ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code