Site icon Revoi.in

રાજયમાં મકરસંક્રાંતિથી 31મી જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઊજવણી કરાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 31 જાન્યુઆરી-2022 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઊજવણી કરાશે. જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને  બોર્ડ દ્વારા નાગરિકોને ગૌશાળાઓ દ્વારા ગાયોના છાણ તથા મુત્રનો ઉપયોગ, બાયોગેસ, વર્મી કમ્પોઝ્ડ, બાયો-પેસ્ટીસાઇઝ્ડ, ઓર્ગેનિક સાબુ, અગરબત્તી તથા પંચગવ્ય ઔષધિઓ બનાવવા અંગેની સમજ અપાશે. વિવિધ સંસ્થાઓ દ્વારા સર્જીકલ કેમ્પ, વંધત્વ નિવારણ કેમ્પ, અટીરેબીસ કંટ્રોલ પ્રોગ્રામ તેમજ તાલીમ શિબિરને પ્રાણી પખવાડીયાની ઊજવણીમાં સામેલ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શાળા અને પ્રાણી પ્રત્યે પ્રેમ, દયા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. પ્રાણી દ્વારા સંચાલિત વાહન ઉપર વધુ વજન ભરી જતાં વાહનોને અટકાવવા ઝૂંબેશ હાથ ધરવી તેમજ ગુન્હા માટે પોલીસ ખાતાને પગલાં ભરવાની જાણ કરવાની રહેશે. પશુઓને ખુલ્લામાં ટાઢ, તાપ અને વરસાદમાં લાંબા સમય સુધી બાંધી રાખવામાંથી મુક્તિ આપવા લોકોને સમજ અપાશે તેમજ ઇરાદાપૂર્વક ઘાતકીપણું અટકાવવા પગલાં લેવામાં આવશે. રખડતા પશુઓના આરોગ્યને પ્લાસ્ટીકની કોથળી ખાવાના કારણે નુકશાન થાય છે તો કેટલાક સંજોગોમાં પશુના મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. તે બાબતે વધુ ભાર આપી નાગરિકો ઘરનો કચરો, રસોડાનો વધેલો ખોરાક અથવા એઠવાડ, પ્લાસ્ટીકની કોથળી જાહેર રસ્તા પર ન ફેંકે તે અંગે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન પણ અપાશે. રખડતાં કુતરાઓ પર ક્રુરતા ન આચરવામાં આવે તેની પણ ખાસ તકેદારી લેવામાં આવશે. પખવાડીયા દરમિયાન દરેક પશુચિકિત્સક અધિકારીઓ તથા પશુઘર નિરીક્ષક દ્વારા કોઇપણ બિમાર કે ઇજા પામેલ બિનવારસી પ્રાણીઓની સારવાર માટે જીવદયા સંસ્થા કે કોઇપણ વ્યક્તિ લાવે તો વિનામૂલ્યે સારવાર અપાશે.