અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી મોરવાહડફ બેઠકની પેટાચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક ઉપર તા. 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. તા. 2 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2017માં અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ખાટ મોરવાહડફ બેઠક ઉપર વિજેતા થયા હતા પરંતુ પ્રમાણપત્રના મુદ્દે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલો હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. લાંબાસમય સુધી સ્ટે રહેવાના કારણે આ બેઠક પર ચૂંટણી થઇ શકી ન હતી દરમિયાન ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાટનું અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણીની જાહેરાત કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કરી દેવામાં આવી છે. મોરવાહડફ ની બેઠક શેડ્યુલ્ડ ટ્રાઈબ્સની અનામત બેઠક છે. મોરવાહડફ બેઠક પર 111082 પુરુષ મતદારો છે અને 107711 મહિલા મતદારો નોંધાયેલા છે.
આગામી તારીખ 23 માર્ચ આ બેઠક માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ 30 માર્ચ નિર્ધિરિત કરવામાં આવ્યો છે. 31 માર્ચે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવા 3જી એપ્રિલ નિર્ધારિત કરવામાં આવી છે. આ બેઠક પર 17 એપ્રિલે મતદાન યોજાશે અને મતગણતરી 2જી મે ના હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂુંટણી યોજાઈ હતી. તેમજ 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનું ધોવાણ થયું હતું.