મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને રાહત પેકેજની જાહેરાત
અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. દરમિયાન રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ, નર્મદા અને વડોદરામાં થયેલા નુકસાનીને લઈને રાહત પેકેજ જાહેર કરાયાનું જાણવા મળે છે. ભરૂચ, નર્મદા અને વડોદરા માટે SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે. આ સાથે હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે. , રાજ્ય સરકાર SDRFના હેક્ટરદીઠ રૂ.8500 વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અને રૂ.17 થી રૂ.25 હજારની વધારાની સહાય ચૂકવાશે. જેને માટે હવે ખેડુતોએ ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
નર્મદા નદીમાં તાજેતરમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠે આવેલા ભરૂચ સહિતના જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરી વળ્યાં હતા. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ઉતરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા રોગચાળો ના વકરે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં ખેડૂતોને થયેલા નુકસાનીને લઈને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સર્વેની કામગીરીને ધ્યાનમાં રાખીને રાહત ચુકવવાની કામગીરી કરવામાં આવશે.