લખનૌઃ વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં હિન્દુ ધર્મના અનેક પ્રતિકો મળી આવ્યાં છે. હાલ સમગ્ર મામલો કોર્ટમાં પેન્ડીંગ છે. બીજી તરફ હિન્દુ ધર્મના સંતો-મહંતો પણ જ્ઞાનવાપીમાં શિવલીંગની પુજા કરવાની મંજૂરી માંગી રહ્યાં છે. જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા ‘શિવલિંગ’ની પૂજાને લઈને એક અગ્રણી હિન્દુ સંતે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કોર્ટના નિર્દેશો પર હાથ ધરાયેલા સર્વે દરમિયાન ત્યાં હાજર વઝુખાનામાંથી આ શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. દરમિયાન સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે. હવે સમગ્ર પ્રકરણમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ શિવલિંગની પુજા માટે શિષ્યોને સુચના આપી છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના શિષ્યએ કહ્યું હતું કે, તેઓ અને તેમના શિષ્યો શનિવારે શિવલિંગની પુજા કરશે.
શંકરાચાર્યજીના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શનિવારે જ્ઞાનવાપી મસ્જિદમાં સ્થિત ‘શિવલિંગ’ની પૂજા કરવાની જાહેરાત કરી અને કહ્યું કે જો પ્રશાસન તેમને આમ કરવાથી રોકશે તો તેઓ શંકરાચાર્યને જાણ કરશે અને તેમના તરફથી મળેલી સૂચનાનું પાલન કરશે. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી ગુજરાતના દ્વારકામાં શારદા પીઠમ અને બદ્રીનાથમાં જ્યોતિમઠના શંકરાચાર્ય છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ‘ધર્મના મામલે ધર્માચાર્યોનો નિર્ણય અંતિમ છે. જેમ સુપ્રીમ કોર્ટ કાયદાનું અર્થઘટન કરે છે તેમ ધર્મનું અર્થઘટન ધર્માચાર્યો કરે છે. સનાતમ ધર્મમાં શંકરાચાર્ય સૌથી મહાન આચાર્ય છે અને સ્વરૂપાનંદ સૌથી વરિષ્ઠ છે. તેમણે કહ્યું કે, ‘જ્ઞાનવાપીમાં વિશ્વનાથજી મળ્યા છે અને અમે હિંદુ સમાજ વતી પૂજા માટે સામગ્રી એકઠી કરી રહ્યા છીએ.’ શનિવારે પૂજા કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, અમે રાજકીય હિંદુ નથી, અમે વાસ્તવિક છીએ. સમાનત ધર્મમાં શંકારાચાર્યજી મહાન નામ છે અને હિન્દુ ધાર્મિક સ્થળ પર તેઓ પુજા કરી શકે છે. તેમને કોઈ રોકી કે અટકાવી શકે નહીં.