પ.બંગાળ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાતઃ 30મી સપ્ટેમ્બરે મતદાન અને 3 ઓક્ટોબરે મતગણતરી
કોલકતાઃ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠક પર 30મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે અને તા. 3 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડે તેવી શકયતા છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક ઉપરથી હારી ગયા હતા. વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક ઉપર ભાજપના શુવેંદુ અધિકારી જીત્યાં હતા. ગત બુધવારે ચૂંટણીપંચએ પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી સાથે વીડિયો કોન્ફ્રેસિંગ મારફતે બેઠક કરી હતી. તેમજ પેટાચૂંટણી અંગે ચર્ચા કરી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વિધાનસભાના સભ્ય બનવુ જરૂરી છે. સંવિધાનના આર્ટિકલ અનુસાર ચૂંટણી નહીં જીતનારી વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે પરંતુ છ મહિનામાં ચૂંટણી જીતવી જરૂરી છે. સીએમ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો. ટીએમસીનો 294 બેઠકો પૈકી 213 બેઠકો ઉપર વિજય થયો હતો. જ્યારે ભાજપની 77 બેઠકો ઉપર જીત થઈ હતી.