Site icon Revoi.in

માછીમારોને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર 13.5 ટકા વેટ માફ કરવાની જાહેરાત

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલનડ તથા ડેરીના મંત્રી પરષોત્તમ રુપાલાની દીવની મુલાકાત લીધી હતી. દરમિયાન માછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા અને ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત કુલ 157.31 કરોડ રુપિયાના ખર્ચે સાગરમાલા પરિયોજના અંતર્ગત દીવ પોર્ટ અને વણાકબારામાં ડ્રેજિંગ કાર્યની શરુઆતની જાહેરાત કરવામાં આવી. તેમજ માછીમારો અને પોર્ટના વિકાસ હેતુ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા અને સંઘ પ્રદેશ દમણ તેમજ દીવ તથા  દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલજીના કુશળ નેતૃત્વ તેમજ સક્ષમ માર્ગદર્શનમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત 93.17 કરોડ રુપિયાના ખર્ચે 3.5 કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં દીવના વણાકબારામાં અત્યાધુનિક ફિશિંગ હાર્બરના વિકાસ કાર્યોના સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરાઈ.

આ અત્યાધુનિક ફિશિંગ હાર્બરમાં માછલીના વર્ગીકરણ અને ગ્રેડિંગ, પેકિંગ હોલ અને અન્ય જરૂરી સવલતો માટે વિકસિત સિસ્ટમ હશે, જે માછીમાર પરિવારોને માછીમારીમાં અને તેને લગતી કામગીરી કરવામાં સરળતા આપશે. આ ઉપરાંત માછીમારોને પ્રોત્સાહન અને રાહત આપવા માટે માનનીય કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પણ માછીમારોને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર 13.5 ટકા વેટ માફ કરવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી, જેનાથી માછીમારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. આનાથી માછીમાર પરિવારોને મોટી મદદ મળશે અને તેમની આવકમાં અભૂતપૂર્વ વધારો થશે.