નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના વિવાદીત નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં લઘુમતી કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને વિરોધ-દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ કેટલાક સ્થળોએ પથ્થરમારો, વાહનોને આગચંપી સહિતની ઘટના પણ સામે આવી છે. બીજી તરફ હવે દેશ અને ધર્મની રક્ષા માટે સાધુ-સંતો આગળ આવ્યાં છે અને તેમણે અરાજકતા ફેલાવનારા લોકની પાછળ રહેલા ષડયંત્રકારીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
કાશીમાં સુદામા કુટી હરતીરથમાં પાતાલપુરી મઠના પીઠાધીશ્વર મહંત બાલક દાસની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કાશી મઠના પીઠાધીશ્વર, સંત મહંત તથા સમાજસેવીની હાજરીમાં 16 પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા, જેમાં આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, દેશને બચાવવા માટે સંતો રસ્તા પર ઉતરશે અને દેશદ્રોહીઓને ખુલ્લા પાડશે. કટ્ટરપંથી દેશને અશાંતિ તરફ લઈ જઈ રહ્યા છે, તેના માટે ધર્મના રક્ષકોને આગળ આવવું પડશે.
સંતોએ કહ્યું હતું કે, શુક્રવારે જે રીતે હિંસા થઈ છે, તે બાદ હવે સંત સમાજ ચૂપ નહીં બેસે. રસ્તાઓ પર ઉતરશે. દેવી દેવતાઓ પર અપમાનજનક ટિપ્પણી કરવાના, ફિલ્મોમાં દેવી-દેવતાઓની મજાક ઉડાવનારાઓને જેલમાં મોકલી દેવા જોઈએ, સંતોએ બેઠકમાં રાંચિના હનુમાન મંદિરમાં તોડફોડ અને હુમલાની ટિકા કરી હતી. આ બેઠકમાં સંતોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી માગ કરી છે કે, આવી અરાજકતા ફેલાવનારા લોકની પાછળ રહેલા ષડયંત્રકારીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ.
(Photo-File)