Site icon Revoi.in

પોણા 10 લાખ શિક્ષિત બેરોજગારોએ  LRDની ભરતી માટે અરજીઓ કરી  

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. રાજ્યના પોલીસ વિભાગમાં એલઆરડી (કોન્સ્ટેબલ)ની ભરતીમાં 9.70 લાખથી વધુ અરજીઓ આવી છે.હવે લાખો ઉમેદવારોની શારિરીક અને લેખિત પરીક્ષા લેવાનું ગૃહ વિભાગ માટે કસોટી સમાન બની રહેશે,

સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેરાત કરવામાં આવી હતી. આ માટે 7 નવેમ્બર સુધીમાં કુલ 9 લાખ 70 હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ 9મી નવેમ્બર છે. એટલે હજુ બે દિવસ બાકી છે. ત્યારે અરજીનો આંકડો 10 લાખ ઉપર પહોંચે તેવી શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. ગૃહ વિભાગે પોતાની વેબસાઈટ પર ઉમેદવારોને લગતી કેટલીક માહિતી મુકી છે. 10 લાખ ઉમેદવારોની શારિરીક અને લેખિત પરીક્ષા લેવાનું કસોટીરૂપ બની રહેશે. મોટાભાગના ઉમેદવારોએ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.