ગુજરાતમાં સામાજિક વનીકરણની વધુ એક સિદ્ધિ, વૃક્ષોની કુલ સંખ્યા 39 કરોડને પાર
અમદાવાદઃ ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવા નાગરિકો પણ સહભાગી થઇ શકે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સામાજિક વનીકરણની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક પ્રયાસો થકી રાજ્ય વધુ હરિયાળું બની રહ્યું છે.
રાજ્યમાં વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણને ધ્યાને રાખીને વન વિસ્તાર બહાર યોજાયેલી વૃક્ષ ગણતરીમાં વર્ષ 2021 મુજબ કુલ 39.75 કરોડ વૃક્ષો નોંધાયા છે, એટલે કે વર્ષ 2003ની સરખામણીમાં કુલ 25.36 ટકા વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વન વિસ્તાર બહાર વર્ષ 2003માં 25.10 કરોડ વૃક્ષો હતા જે નાગરિકોની સહભાગિતાથી વધીને વર્ષ 2021માં કુલ 39.75 કરોડ થયા છે. જ્યારે વન વિસ્તાર બહાર વૃક્ષોની ઘનતા વર્ષ 2003માં 14.10 વૃક્ષ પ્રતિ હેક્ટર હતી જે વર્ષ ૨૦૨૧માં વધીને 25.74 વૃક્ષ પ્રતિ હેક્ટર થઇ છે. ચાલુ વર્ષે રાજ્યમાં કુલ 89 વનકુટીર, 27 પવિત્ર ઉપવન, 66 કિસાન શિબિર અને 670 સ્મશાન સગડી વિતરણ કરવાનું આયોજન છે, તેમ વન વિભાગ દ્વારા જણાવાયું છે.
વધુમાં,આ વર્ષે 75મો ‘વન મહોત્સવ’ આગામી તા.26 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલની હાજરીમાં દેવભૂમિ દ્વારકાના ગાંધવી- હર્ષદ ગામ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા ૨૩માં સાંસ્કૃતિક ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરવામાં આવશે. સાથે-સાથે રાજ્યમાં 33 જિલ્લા, 8 મહાનગરપાલિકા, 250 તાલુકા અને 5,500 ગ્રામીણ કક્ષાએ વન મહોત્સવ યોજવાનું આયોજન છે.
રાજ્યને વિવિધ સામાજિક વનીકરણની યોજનાઓ થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે હરીત વસુંધરા યોજના હેઠળ ચાલુ વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 200 હેક્ટર વિસ્તારમાં વન કવચ વાવેતર કરવાનું આયોજન છે જ્યારે જૂન 2024 સુધીમાં 23 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. સાથે સાથે શેહરી વિસ્તારમાં કુલ 20 અર્બન ફોરેસ્ટ નિર્માણ કરવાનું આયોજન છે. રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ કુલ 31,000 હેક્ટર વિસ્તારમાં ખેડૂતો થકી વાવેતર કરવાનું આયોજન છે જે પૈકી 328 હેકટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યમાં રસ્તાઓ ઉપર ટ્રી કવર વધારવા ‘હરિત વન પથ’ યોજના હેઠળ કુલ 70 હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું આયોજન છે. જ્યારે પંચરત્ન ગ્રામ વાટિકા મોડલ હેઠળ રાજ્યના 1,000 ગામડાઓમાં ગામ દીઠ 50 રોપા અને 65 અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર મોડલ હેઠળ સરોવર દીઠ 200 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરાશે તેમ, વન વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.