નવી દિલ્હીઃ દેશમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે મોંઘવારીમાં પીસાતી જનતાની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. હવે સૌથી મોટી દૂધ સપ્લાય કરતી કંપનીઓમાંની એક અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ દૂધનું વેચાણ કરે છે, તેણે અમૂલ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કર્યો છે, જેના પછી દૂધ 2 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થશે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયા બાદ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ તાઝાના ભાવમાં વધારો થશે. નવી કિંમતો આવતીકાલથી એટલે કે 17 ઓગસ્ટથી લાગુ થશે. આ પછી, હવે અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂ. 62, અમૂલ શક્તિ રૂ. 56 પ્રતિ લિટર અને અમૂલ તાઝાનો ભાવ રૂ. 50 પ્રતિ લિટર પર પહોંચી જશે. હવે અમૂલ શક્તિના અડધા કિલોના પેકેટની કિંમત 28 રૂપિયા હશે.
ગુજરાત ઉપરાંત દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ, મુંબઈ સહિતના સ્થળોએ દૂધ મોંઘું થશે. જ્યાં પણ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ હેઠળ પેકેજ્ડ અને તાજા દૂધનું વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં લિટરે રૂ.2નો વધારો થશે.
અમૂલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીએ દૂધની કિંમતોમાં વધારો કર્યો છે કારણ કે કંપનીની કુલ કિંમત અને ઓપરેશનલ કોસ્ટ વધી છે. પશુઓને ખવડાવવાનો ખર્ચ વાર્ષિક ધોરણે 20 ટકા વધ્યો છે. ગયા વર્ષે ખેડૂતોને આપવામાં આવતા ભાવમાં પણ 8-9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે અગાઉ માર્ચમાં પેકેજ્ડ અને તાજા દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2નો વધારો કર્યો હતો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે જેથી દૂધના ભાવમાં વધારો કરાયાનું મનાઈ રહ્યું છે.