પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલના ભાવમાં વધારો
અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે જીવન જરુરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરતી પ્રજા બહાર નીકળવા માટે હવાતિયા મારી રહી છે ત્યારે ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. સિંગતેલના ભાવમાં દસ દિવસના સમયગાળામાં રૂ. 60નો વધારો થયો છે. જ્યારે કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં કોઈ વધારો નહીં થયો હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 3 હજાર આસપાસ પહોંચી ગયો છે. મગફળીની ઓછી આવકથી પિલાણમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો હોવાનુ મનાઈ રહ્યું છે. કપાસિયા અને પામોલિનના ભાવ યથાવત છે. સિંગતેલના ભાવમાં થયેલા વધારાને પગલે મહિલાઓનું બજેટ ખોરવાયું છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ફરીથી ખાદ્યતેલના ભાવમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અત્યારે સોરાષ્ટ્રની ઓઇલ મિલમાં 20 થી 50 ટકા જ કામકાજ હોવાનું ઓઇલ મિલરો જણાવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં થયેલા વધારાને પગલે આગામી દિવસોમાં ફરસાણના ભાવમાં વધારો થાય તેવી શકયતા છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ જીવનજરુરી વસ્તુઓના ભાવ ના વધે તે માટે પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં ઓઈલ મીલો આવી છે અહીં જ સિંગતેલના ઉત્પાદનનું કામ થઈ રહ્યું છે. બીજી તરફ ખાદ્યતેલના બાવ કન્ટ્રોલમાં આવે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો શરૂ કર્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.