અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી (આપ) તુટી રહી છે. તાજેતરમાં જ આપના બે સિનિયર આગેવાનોએ પાર્ટીનો સાથ છોડ્યો હતો. દરમિયાન હવે સુરતમાં આમ આદમી પાર્ટીના પાંચ જેટલા કોર્પોરેટરોએ ‘આપ’ સાથે છેડો ફાડ્યો હોવાનું જાણવા મળે છે. આ તમામ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં ‘આપ’ના કોર્પોરેટરોએ કેસરિયા કર્યા છે. ભાજપમાં જોડાયેલા આ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. દરમિયાન આજે વિપુલભાઈ મેવાળીયા, જ્યોતિકાબેન રાઠીયા, રૂતાબેન કાકડીયા, ભાવનાબેન અને મનીષાબેન કુકડીયાએ આપનો સાથ છોડ્યો હતો અને વિધિવત રીતે ભાજપમાં જોડાયાં હતા. આ કોર્પોરેટરએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્રભાઈની વિચારધારાને લઈ ભાજપ માં જોડાઈ રહ્યા છે. ભાવનાબેન સોલંકી જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી હતી ત્યારે આપ વિશે મેં ખૂબ સારી વાતો સાંભળી હતી. જ્યારે જીત્યા પછી મેં પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે મને રોકવામાં આવી. ત્યાં બધું બનાવટી હતું. આમ આદમી પાર્ટીએ મને બોલવાનો મોકો આપ્યો નથી. વિપુલભાઇ મોવાળીયાએ જણાવ્યું હતું કે, હવે અમે ભાજપમાં રહી સારા કામ કરી શકીશું. નરેન્દ્રભાઈઅને અમિતભાઇ તેમજ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખએ અમને મોકો આપ્યો છે.