અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને એસપીજી ગેસના ભાવમાં થઈ રહેલા સતત વધારાની અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે. શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. સિંગતેલના ડબ્બામાં એક અઠવાડિયામાં 75 અને કપાસિયા તેલના ડબ્બામાં 100નો વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હવે ખાદ્યતેલના પણ સતત વધારો થઈ રહ્યો છે. સીંગતેલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં રૂ.75નો વધારો થયો છે. આમ સિંગતેલના ડબ્બાની કિંમત રૂ. 2550 ઉપર પહોંચી છે. આવી જ રીતે કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં રૂ.100 નો વધારો થયો છે. આમ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને 1900થી વધી 2000 થયો હોવાનું જાણવા મળે છે. રસોઈમાં જરૂરી સિંગતેલ અને કપાસિયા તેલમાં થઈ રહેલા ભાવ વધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મગફળીની આવક ઘટી છે અને બીજી તરફ માંગ વધતા સિંગતેલના ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે.